/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/07162320/IMG-20210507-WA0008.jpg)
કોરોનાનું સંક્રમણ સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ વધી રહ્યું છે, ત્યારે તમામ વિસ્તારોમાં કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવી રહી છે. જે અન્વયે સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણ આહિરની ઉપસ્થિતિમાં સાંઘી સિમેન્ટ કંપની દ્વારા કચ્છ જિલ્લાના નલિયા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે 100 બેડના નમો કોવિડ હોસ્પિટલનો આરંભ કરવામાં આવ્યો હતો.
જોકે, હાલની પરિસ્થિતિ જોતાં દરેક વિસ્તારના ઉદ્યોગો કંપનીઓ પણ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે તે જરૂરી છે. તે તરફ પ્રયાણ કરતાં સાંઘી સિમેન્ટ કંપની દ્વારા નલિયા ખાતે નમો કોવિડ હોસ્પિટલનો આરંભ કરવામાં આવ્યો છે. જેથી સમગ્ર અબડાસા તાલુકો તેમજ આજુબાજુના લોકોને હવે કોરોનાની સારવાર માટેની તમામ સુવિધાઓ ત્યાં જ મળી રહેશે.
આ તકે રાજયમંત્રી વાસણ આહિરે જણાવ્યું હતું કે, પશ્ચિમ કચ્છના છેવાડે નલિયા ખાતે સાંઘી સિમેન્ટના સહયોગથી આ હોસ્પિટલ શરૂ થઈ રહી છે. જેથી લોકોના આરોગ્ય સુખાકારીમાં વધારો થઈ શકશે અને ઝડપથી કોરીનાને મ્હાત પણ આપી શકશે. ઉપરાંત ડાયરેક્ટરને ઓક્સીજન પ્લાન્ટ શરૂ કરવા જણાવતા તેઓએ જણાવ્યું હતું કે, ત્યાં ઓક્સિજન પ્લાન્ટ તો છે જ પણ હાલ લિક્વિડ ઓક્સિજનની જરૂર છે, જેની વ્યવસ્થા કરવામાં આવે તો સમગ્ર અબડાસા તાલુકો તેમજ આજુબાજુના વિસ્તારમાં ઓક્સિજનની અછત નિવારી શકાય તેમ છે, ત્યારે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ અંગેની રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરી ઝડપથી તેની વ્યવસ્થા કરવામાં આવશે.
આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલ કારા, અબડાસા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, સાંઘી સિમેન્ટના ડાયરેક્ટર એન.ડી. ગોહિલ, એચ.આર.એ. સનાતન શ્યામલ તેમજ વેપારી મંડળ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.