કચ્છ : સફરજનના સફળ વાવેતર બાદ હવે સૂકા રણપ્રદેશમાં થયું મશરૂમનું ઉત્પાદન, GUIDEના વૈજ્ઞાનિકોને મળી સફળતા

કચ્છ : સફરજનના સફળ વાવેતર બાદ હવે સૂકા રણપ્રદેશમાં થયું મશરૂમનું ઉત્પાદન, GUIDEના વૈજ્ઞાનિકોને મળી સફળતા
New Update

ક્ચ્છ જિલ્લો આમ તો સૂકો મલક તરીકે ઓળખાય છે. પણ આ ભૂમિની તાસીર ઘણી અલગ છે. ઠંડા પ્રદેશમાં ઉગતા સફરજનનું કચ્છમાં વાવેતર થયા બાદ હવે અહી મશરૂમનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે. હિમાલયન ગોલ્ડથી ઓળખાતા એવા ઠંડા પ્રદેશના મશરૂમને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના વૈજ્ઞાનિકોએ સૂકા રણપ્રદેશમાં પણ ઉગાડી બતાવ્યા છે.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના વૈજ્ઞાનિકોને ભુજ ખાતેની લેબમાં કોર્ડિસેપ્સ મિલિટરીસ નામના મશરૂમ ઉગાડવામાં સફળતા મળી છે. આ પ્રયોગ કરતા લગભગ 90 દિવસ જેટલો સમય લાગ્યો હતો. જેમાં 35 બરણીઓમાં આ મશરૂમ ઉગાડવામાં આવ્યું હતું. હિમાલયન ગોલ્ડથી ઓળખાતા આ મશરૂમ સામાન્યતઃ ઠંડા પ્રદેશોમાં જ થાય છે. જેની હાલની માર્કેટ વેલ્યુ એક કિલોના 1.50 લાખ રૂપિયા છે. આ મશરૂમ ચીન, ઇટલી અને થાઈલેન્ડ સહિતના વિવિધ દેશોના ખોરાકમાં અત્યંત મહત્વના સાબિત થયા છે. વિટામિનથી ભરપૂર અને અનેક બીમારીઓનો ખાત્મો કરતા મશરૂમ ઉગાડવાનો કચ્છમાં અશક્ય પ્રયોગ સફળ થયો છે. આ મશરૂમની ખાસિયત એ છે કે, તે એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી કેન્સરની દવા તરીકે મહત્વનો ભાગ ભજવે છે. સાથોસાથ વિટામિન B-1, B-12 અને પ્રોટીનથી ભરપૂર હોય છે.

કોર્ડિસેપ્સ મિલિટરીસ મશરૂમ દેશના ઠંડા પ્રદેશોમાં લોકોને ન્યૂટ્રિશિયન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયા છે. સાથે જ બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારી હોય કે, મલેરિયાથી લઈને ડેન્ગ્યૂ જેવા દરેક રોગ સામે આ મશરૂમ કારગર નીવડ્યા હોવાનું જાણકાર વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, હાલ 17 ડિગ્રી જેટલા નીચા તાપમાનમાં 3 મહિનાના લેબોરેટરી નિરીક્ષણ અને વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્નોથી મશરૂમ ઉગાડવામાં આવ્યા હતા. જે કચ્છના વાતાવરણ પ્રમાણે વૈજ્ઞાનિકોને અશક્ય લાગતું હતું.

જોકે, અંતે તે મિશન પણ સફળ થયું હતું. કોવિડના સમયમાં સતત જ્યારે ઇમ્યુનીટી સિસ્ટમની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે હિમાલયન ગોલ્ડ મશરૂમ ઇમ્યુનીટી બુસ્ટ સાથે લીવરની કામગીરી માટે પણ શ્રેષ્ઠ પુરવાર થયા છે. ઉનાળાની ઋતુ હોવા છતાંય લેબોરેટરીમાં જરૂરી તાપમાન જાળવીને મશરૂમ ઉગાડવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં ગાઈડના ડાયરેક્ટર ડો. વિ. વિજયકુમાર, વરિષ્ઠ વૈજ્ઞાનિક કે. કાર્થિકેયન, ડો.જયંતિ જી. અને નિરમા યુનિવર્સીટીના જીગ્ના શાહ જોડાયા હતા.

#Kutch #kutch news #Kutch Gujarat #Connect Gujarat News #guide #Apple Farming #Mushroom Farming
Here are a few more articles:
Read the Next Article