કચ્છના ભુજોડી ગામની 500 વર્ષ પુરાણી હાથશાળ કળાએ વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મેળવી છે. કુદરતી રંગો અને ‘દેશી કપાસ’માંથી તૈયાર થતી કચ્છી શાલને ‘જી.આઇ. ટેગ’ મળ્યા બાદ દેશ-વિદેશમાં તેની માંગ નોંધપાત્ર રીતે વધી છે.
કચ્છના ભુજોડી ગામની 500 વર્ષ પુરાણી હાથશાળ કળાએ વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મેળવી છે. કુદરતી રંગો અને ‘દેશી કપાસ’માંથી તૈયાર થતી કચ્છી શાલને ‘જી.આઇ. ટેગ’ મળ્યા બાદ દેશ-વિદેશમાં તેની માંગ નોંધપાત્ર રીતે વધી છે. ભુજોડી ગામમાં હાથથી સૂતર કાંતવાથી લઈને હાથશાળ પર આધુનિક ડિઝાઇનની શાલ, સાડી અને ડ્રેસ મટિરિયલ તૈયાર કરવાની સદીઓ જૂની પરંપરા આજે પણ અવિરત ધબકી રહી છે.50થી વધુ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત ભુજોડીના 350થી વધુ કારીગરોનાં ઉત્પાદનો આજે અમેરિકા, જાપાન અને જર્મની સહિત 18થી વધુ દેશોમાં નિકાસ થઈ રહ્યું છે. સરકારી પ્રોત્સાહન અને કારીગરોની નિષ્ઠા થકી આ પરંપરાગત કળા કેવી રીતે આત્મનિર્ભરતાનું પ્રતીક બની છે.
અહીંના પરિવારો પેઢી-દર-પેઢી આ કલા-વારસાનું જતન કરી રહ્યા છે, જેમાં સ્થાનિક મહિલાઓની ભાગીદારી પણ પ્રશંસનીય રહી છે. વર્ષ 2010માં મળેલો ‘જી.આઈ. ટેગ’ આ કળાની મૌલિકતા અને શ્રેષ્ઠ ગુણવત્તાની ઓળખ બન્યો છે. આ ઉપરાંત, દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા મહાનગરોમાં યોજાતાં રાષ્ટ્રીય પ્રદર્શનો થકી સ્થાનિક વણકરોને વિશાળ બજાર ઉપલબ્ધ થઈ રહ્યું છે.
‘વોકલ ફોર લોકલ’ના અભિગમ સાથે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ વણકરોની આજીવિકા સુદ્રઢ કરવા સતત પ્રયત્નશીલ છે. કચ્છ રણોત્સવ, ગરવી ગુર્જરી એમ્પોરિયમ તેમજ ઈ-કોમર્સ પ્લેટફોર્મના સથવારે ભુજોડીની આ ઐતિહાસિક વિરાસત વૈશ્વિક ફલક પર નવી ઊંચાઈઓ સર કરી રહી છે.
