ભાવનગર શહેરમાં રાંધણ ગેસના સિલિન્ડરમાં ગેરરીતિ આચરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી ગેંગ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે ચોક્કસ બાતમીના આધારે કુંભારવાડા રોડ પર આવેલા મોતીતળાવ કાદરી મસ્જિદ સામે સ્થિત ‘K G N ગેસ સર્વિસ’ નામની દુકાનમાં અચાનક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી રાંધણ ગેસના કમર્શિયલ અને ઘરેલુ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી એકના ડબલ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ રંગેહાથ ઝડપાઈ ગઈ હતી.
SOG ની આ કાર્યવાહી દરમિયાન ગેસના સિલિન્ડરમાંથી ગેરરીતિ આચરતા એક ઈસમની સ્થળ પરથી જ અટકાયત કરવામાં આવી હતી. પોલીસે દરોડા દરમિયાન ભારત ગેસ અને ઈન્ડેન કંપનીના કુલ 6 રાંધણ ગેસના સિલિન્ડર કબજે કર્યા છે. આ ઉપરાંત, ગેસ રિફિલિંગ માટે વપરાતી ખાસ નોઝલ અને ગેસનું વજન માપવા માટેનો ડિજિટલ વજનકાંટો પણ ઘટનાસ્થળેથી જપ્ત કરવામાં આવ્યો છે.
