કચ્છમાં કોરોના મહામારી કાળો કહેર વરસાવી રહી છે, ત્યારે કોવિડના કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના પગલે સ્મશાન ગૃહમાં લાકડાઓ ખૂટી પડતા સેવાભાવી ખેડૂતો દ્વારા લાકડા પહોચાડવાની મદદ કરવામાં આવી રહી છે.
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાના કારણે મોતના આંકડા સતત વધી રહ્યા છે. સરકારી ચોપડે 5થી 6 મોતના કિસ્સાઓ ચઢાવાય છે. પરંતુ વાસ્તવિક સ્થિતિમાં દરરોજ 20થી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. જેના કારણે અંતિમવિધિ માટે સ્મશાનમાં ધસારો વધતાં લાકડા પણ ખૂટી પડ્યા છે. ભુજની સમીપે આવેલા 60 હજારની વસ્તી ધરાવતા માધાપર ગામમાં પણ બીમારીથી મોતના બનાવો વધ્યા છે. જેના કારણે સ્મશાન ગૃહમાં અંતિમવિધિ માટે લાકડાઓ ખૂટી પડ્યા છે, ત્યારે સેવાભાવી ખેડૂતો દ્વારા સ્મશાન ગૃહમાં લાકડા પહોચાડવાની મદદ કરવામાં આવી રહી છે.
માધાપર ગામના ઉપસરપંચ અરજણ ભુડિયાએ જણાવ્યું હતું કે, અમારી ટીમ તેમજ ગામના ખેડૂતો દ્વારા લાકડા ભેગા કરવામાં આવી રહ્યા છે. વાડીમાં જે સૂકા લાકડા પડ્યા હોય તેને ભેગા કરી સ્મશાનમાં પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા સપ્તાહથી દરરોજ 2થી વધુ ટ્રોલી લાકડા એકત્ર કરી સ્મશાનમાં મોકલવામાં આવ્યા છે, ત્યારે અનેક લોકો પણ આ મહામારીના કાળચક્રમાં ખેડૂતોને સહયોગ આપી રહ્યા છે.