/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/28170552/maxresdefault-134.jpg)
કચ્છ રાજ્યના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજા બાવા સાહેબનું આજે દુઃખદ નિધન થતા ક્ચ્છભરમાં શોક છવાયો છે ભારે ગમગીન હૃદયે આજે તેઓની અંતિમયાત્રા નીકળી હતી, અંતિમ રાજવીએ ફાની દુનિયાને અલવિદા કરતા ક્ચ્છમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.
કચ્છ રાજ્યના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાનું 85 વર્ષની વયે આજે દુઃખદ અવસાન થયું છે. ભુજના રણજીતવિલાસ પેલેસમાં આજે પરોઢે 6 કલાકે નિધન થયું હતું. બીમારીથી પીડિત મહારાવ સાહેબે દેહ ત્યાગી દેતા ક્ચ્છભરમાં શોક ફેલાયો છે. મહારાવ સાહેબની અણધારી વિદાયથી રાજ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે તેમના વારસદાર કુંવર ઇંદ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે બીમારી બાદ મહારાવ પ્રાગમલજી ત્રીજાનું દુઃખદ નિધન થયું છે. તેઓ હંમેશા કચ્છની પ્રજાના હિતમાં હતા.
કચ્છની પ્રજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી રહેતા હતા કચ્છની પ્રજા સુખી રહે એ માટે પ્રયત્નો કરતા હતા.ક્ચ્છ રાજની રાજ પરંપરા જળવાયેલી રહે તે માટે તેઓ આગ્રહ રાખતા હતા કચ્છની પ્રજા સુખી હશે ત્યારે જ તેમની આત્માને શાંતિ મળી શકશે આ અણધારી આફ્તમાં સાંત્વના આપનારા સૌનો ઋણ સ્વીકાર કર્યો હતો. અલગ કચ્છ રાજ્યના પ્રખર હિમાયતી રહેલાં મહારાવ તેમની પાછળ ધર્મપત્ની પ્રીતિદેવી અને ત્રણ વારસદારોને વિલાપ કરતાં મૂકી ગયાં છે.
આજે બપોરે 12થી 1 કલાક દરમિયાન તેમના નશ્વર દેહને રણજીતવિલાસ પેલેસ ખાતે અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ રણજીત વિલાસ પેલેસથી રાજપરિવારના સ્મશાન છત્તરડી સુધી પોલીસ બેન્ડના સન્માન સાથે અંતિમયાત્રા નીકળી હતી રાજ પરંપરા અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેમના નિધનના સમાચાર જાણીને કચ્છભરના અનેક આગેવાનો અને સમાજો દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી હતી .