/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/07182518/KUTCH_MAHILA_CAMP.jpg)
કચ્છ જિલ્લાના ભુજ શહેર ખાતે મહિલાઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા વિરાંગના સ્કવોર્ડ તૈયાર કરવામાં આવી છે. જેને પોલીસ વડાએ લીલીઝંડી આપી હતી. તો સાથે જ ગુજરાત પોલીસમાં ભરતી થવા પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થીનીઓ માટે “મીશન ખાખી” કાર્યક્રમનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત પોલીસ દળ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેકટર, ઈન્ટેલીજન્સ ઓફિસર, મદદનીશ સબ ઈન્સ્પેકટરની જાહેરાત હાલમાં પ્રસિધ્ધ થયેલ છે. આ પરીક્ષા સંદર્ભે તૈયારી કરી રહેલ કચ્છની દિકરીઓને સાચું માર્ગદર્શન મળી રહે તે હેતુથી પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંઘના અધ્યક્ષ સ્થાને ભુજ ખાતે “મીશન ખાખી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ વડા સૌરભસિંઘે જણાવ્યું હતું કે, કચ્છની દિકરીઓને શારીરિક કસોટી તેમજ લેખિત કસોટી અર્થે સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે “મીશન ખાખી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 200 દિકરીઓએ આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ કોવિડ-19ની ગાઈડલાઈનના પાલન માટે 50 દિકરીઓને કાર્યક્રમમાં હાજર રખાઈ હતી, જ્યારે અન્યને ફેસબુક લાઈવના માધ્યમથી માર્ગદર્શન અપાયું હતું. ભુજ શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે વિરાંગના સ્કવોર્ડનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું છે. આ સ્કવોર્ડમાં 181 જેટલા લોકોનો સ્ટાફ સીનીયર સીટીઝનોને પણ મદદ કરશે.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી અવની રાવલે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસમાં ભરતી થવા પરીક્ષાની તૈયારી કરનાર મહિલાઓ માટે મિશન ખાખી કાર્યક્રમ મદદરૂપ થશે. મિશન ખાખીમાં અપાતું માર્ગદર્શન અને પરીક્ષાલક્ષી તૈયારી તેમના ઉજ્જવળ ભવિષ્યની તાલીમની સોનેરી તક છે. કચ્છમાં ભુજ ખાતે કરાયેલા આ આયોજનની ભારે પ્રશંશા થઈ રહી છે. મહિલાઓની સુરક્ષા માટે ભુજ શહેરમાં 8 મહિલા અધિકારી અને કર્મચારીઓ સહિત વીરાંગના સ્કવોર્ડ પણ તૈયાર કરવામાં આવી છે.