તાઉતે વાવાઝોડાની અસરના કારણે સમગ્ર કચ્છમાં ભારે પવન ફૂંકાયો હતો જેના પગલે કચ્છના અમુક ગામોમાં બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યુ છે ખાસ તો કેસર કેરીના પાકને 30 થી 50 ટકા નુકશાની થઈ છે.
કચ્છની કેસર કેરી જગવિખ્યાત છે જોકે વાવાઝોડાની અસર તળે કેરીનો પાક ખરી પડતા જિલ્લામાં આ વખતે કેરીની અછત જોવા મળશે. ગીર અને તલાલાની કેરીને તો વ્યાપક નુકશાની થઈ છે આ તરફ કચ્છમાં પણ કેસર કેરીના પાકને નુકશાની થઈ છે ભુજ તાલુકાનક કોટડા ચકાર, અંજારમાં ખેડોઈ, માંડવી તાલુકામાં ગઢશીશા સહિતના વિસ્તારોમાં ભારે પવનને કારણે કચ્છી કેરીનો પાક ખરી પડ્યો હતો. કાચી કેરીઓ ખરી પડતા બજારમાં ભાવ લેવા ખેડૂતને મુશ્કેલ બન્યા છે કેરી ઉપરાંત જાંબુ, ખારેક, દાડમ સહિતના બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યું છે.
કેસર કેરીનો પાક કચ્છમાં સારો એવો થયો હતો ત્યારે એક મહિનાની અંદર કેરીનું વેચાણ અને પાક વધારે ઉતર્યો હોત તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. પરંતુ વાવાઝોડાની અસરના પગલે ભારે પવન ફૂંકાયો હોવાથી કેરીને નુકસાન પહોંચ્યું હતું વરસાદના છાંટા પડે તો પણ કેરીને નુકસાન પહોંચે છે અને જીવાત થઈ જાય છે જેથી નુકસાન વેઠવાનો વારો આવતા આ વર્ષે પણ ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી થઈ છે.