/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/19092946/maxresdefault-241.jpg)
કોરોના ફરી પ્રસરી રહ્યો છે. અને ફરી એક વખત વહીવટી પ્રશાસન સખત કાર્યવાહીના મોડમાં આવી ગયું છે. મહાનગર પાલિકાઓમાં રાત્રિ કરફ્યુમાં સમય મર્યાદા વધાર્યા બાદ, બસોના સંચાલન પર રોક લગાવી દેવામાં આવી છે તો બાગ બગીચાઓ પર પણ તાળાં લટકાવી દેવામાં આવ્યા છે. એટ્લે કે રાજ્યમાં મિનિ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. નમસ્કાર.... ચૂંટણી રેલીઓમાં અને મેચની મજામાં નિંદ્રાધીન સરકારી પ્રશાસન કોરોનાના ખૌફ વધતાં સફાળું જાગ્યું છે. અને જાગતા વેંત રાતોરાત બસ સુવિધા, બાગબગીચાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
એક સમયે દેશ સહિત રાજયભરમાં કોરોનાની સ્થિતિ કાબુમાં આવી ગઈ હતી પણ ચૂંટણી પત્યા બાદ હવે કોરોનાનો કહેર રાજયમાં ફરી વધી રહ્યો છે અને પ્રતિદિવસ શહેરમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યની અન્ય મહાનગર પાલિકાઓમાં રાત્રી કરફ્યુમાં સમય મર્યાદા વધારવામાં આવી છે ઉપરાંત મેચની મજામાં નિંદ્રાધીન તંત્ર સફાળું જાગી સિટી બસો અને બાગ બચીયાઓને બંધ કરાવી દેવામાં આવ્યા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો કાંકરિયા લેક, કાંકરિયા ઝૂ, લો ગાર્ડન, વસ્ત્રપુર લેક, પરિમલ ગાર્ડન, પ્રહલાદનગર ગાર્ડન તમામ ગાર્ડન એટલે કે 273 બાગ બગીચા બંધ કરવામાં આવ્યા છે.
કાપડનગરી સુરતમાં પણ હવે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી બાદ હવે તંત્ર ફરી કોરોનાને નાથવાની કવાયતમાં લાગી ગયું છે...
સુરત શહેરમાં પણ કોરોના સંક્રમણ વધતાં તંત્ર કડક વલણ અપનાવી રહ્યું છે. શેરના તમામ બાગ બગીચા તેમજ BRTS અને સિટી બસ સેવા અઠવા, રાંદેર, વેસુ, પીપલોદ અને માર્કેટ રોડ જેવા ભીડભાડવાળા વિસ્તારમાં બંધ કરવામાં આવી છે. આ સાથેજ સાંજે 7 વાગ્યાથી પાનના ગલ્લા, ચાની લારીઓ અને સ્ટ્રીટ વેન્ડરોને અને 9 વાગ્યાથી ખાણી-પીણી લારી, રેસ્ટોરન્ટ બંધ કરવા તંત્ર દ્વારા સૂચન આપવામાં આવ્યા છે તેમજ જો ભીડ વધુ થાય તો શાકભાજીના માર્કેટ પણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આજથી શહેરના તમામ ગેમ ઝોન, જીમ, સ્પોર્ટસ એક્ટીવીટી, ક્લબ તેમજ હોટલના બેન્ક્વેટ હોલ પણ બંધ કરવામાં આવ્યા છે.
કોરોનાના વધતાં સંક્રમણથી ચિંતા તંત્રની ચિંતા વધી છે. ગતરોજ વડાપ્રધાન મોદીએ દરેક રાજ્યના સીએમ સાથે બેઠક યોજી હતી જેમાં દેશમાં કોરોનાના કેસ અને રસીકરણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
રાજી સહિત દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે જેને પગલે ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યના મુખ્યપ્રધાન સાથે બેઠક યોજી હતી જેમાં છત્તીસગઢ અને બંગાળના સીએમ સિવાયના તમામ મુખ્યમંત્રીઓ બેઠકમાં જોડાયા હતા. બેઠકમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારા અને રસીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. લગભગ 70 જિલ્લાઓ એવા છે કે જ્યાં 150 ટકાથી વધુની ઝડપે કોરોના કેસ વધ્યા છે. મહારાષ્ટ્રમાં પણ કેસ લગભગ બમણી ઝડપે આવી રહ્યા છે. 15 માર્ચના આંકડા મુજબ પંજાબ-ગુજરાત-છત્તીસગ-મહારાષ્ટ્રની હાલત સૌથી ખરાબ છે. દેશમાં કોરોના કેસો વર્ષની શરૂઆતમાં રોજના 10 હજારની સરખામણીએ હમણાંના દરરોજ 25 હજાર થઈ ગયા છે. 8 માર્ચથી 15 માર્ચની વચ્ચે મૃત્યુની સંખ્યામાં પણ 28 ટકાનો વધારો જોવા મળ્યો છે, જે છેલ્લા છ અઠવાડિયામાં સૌથી વધુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાંથી 26,291 કેસ નોંધાયા છે, જે છેલ્લા 85 દિવસમાં સૌથી વધુ છે. ગુજરાતમાંથી 1122 નવા કેસ પણ મળી આવ્યા છે જે 27 ડિસેમ્બર પછી સૌથી વધુ છે. ત્યારે સીએમ સાથેની બેઠકમાં વડાપ્રધાન મોદીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે, “કોરોનાનાની આ બીજી લહેર પહેલા કરતાં વધુ ઘાતક સાબીત થશે. જો આ જ પરિસ્થીતી રહી તો દેશ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.” આ ઉપરાંત રાજયસરકારને જરૂરી પગલાં લેવા સૂચન આપ્યું છે.
ગુજરાતમાં ફરી એક વાર કોરોના કેસ ઝડપી વધી રહ્યા છે. લાંબા સમય બાદ કોરોનાના કેસો 1100 પાર થતાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વધાતા કોરોના કહેર વચ્ચે રાજ્ય સરકારનું વલણ પણ સખ્ત થયું છે અને વેક્સિનેશનની ધીમી પડેલી ગતીને ઝડપી બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
ગુજરાતમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પકડ દિવસેને દિવસે ઘીમી પડી છે. પાછલા સપ્તાહે રાજ્યમાં કોરોના વેક્સિનેશનમાં બીજા નંબરે હતો, પરંતુ હવે દેશમાં કોરોનો વેક્સિનેશનમાં ગુજરાત પાંચમાં સ્થાને ધકેલાયુ છે. દેશમાં રાજસ્થાન રસીકરણ મામલે દેશમાં પ્રથમ છે, જ્યાં 31 લાખથી વધુનું વેક્સિનેશન થયુ છે. રાજ્યમાં અત્યાર સુધી 26,42,015 નું વેક્સિનેશન થયુ છે. જેમાં સૌથી વધારે અમદાવાદ શહેરી વિસ્તારમાં 2,465,02નું રસીકરણ થયુ છે. સુરત કોર્પોરેશન વિસ્તારમાં 1,72,771 લોકોએ રસી લીધી છે. ત્યારે બીજી તરફ વડોદરા શહેર કોર્પોરેશન વિસ્તારનો આંકડો હવે એક લાખને પાર પહોંચ્યો છે. ત્યારે વધતાં કેસો પગલે સરકાર દ્વારા રસીકરણની ગતી ઝડપી કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં રાતના 9 વાગ્યા સુધી રસીકરણની કામગીરી ચાલુ રાખવા નિર્દેશ કરાયું છે તેમજ રસીકરણ કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. રાજ્યનાં ચાર મહાનગરોમાં મોટા ભાગની સુવિધાઓ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને મિનિ લોકડાઉન જેવી સ્થિતિ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરી હાલમાં લૉકડાઉન કરવાની વાતને નકારી હતી.
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો આંક 1000ને પાર પહોંચ્યો છે. જેમાં હાલની વાત કરીએ સૌથી વધારે કેસ સુરત અને ત્યાર બાદ અમદાવાદમાં કેસો વધી રહ્યા છે. જેને પગલે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે તેમજ ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારવાની સાથે જ મોટા ભાગની સુવિધાઓ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. ગુજરાત સરકારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોથી લઈને તમામ તબક્કે તૈયારીઓ દર્શાવી છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચુંટણી બાદ નેતાઓએ મલાઇદાર પદો મેળવી લીધા છે અને તેમના માટે મહેનત કરનારા કાર્યકરો હવે કોરોનાનો ભોગ બની રહયાં છે. માલેતુજાર નેતાઓ તો ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી સાજા થઇ જશે પણ ગરીબ અને મધ્યમવર્ગ માટે સરકારી હોસ્પિટલો સિવાય કોઇ આરો નથી. કોરોનાથી બચવા માટે હવે આપણે પણ સાવચેતી રાખવી જરૂરી છે. ફરજિયાત માસ્ક પહેરીએ અને સોશિયલ ડીસ્ટન્સ જાળવીએ તે મહત્વનું છે. ચુંટણીઓ અને નેતાઓ તો આવતાં અને જતાં રહેશે પણ આપણા માટે તો જાન હે તો જહાન હે... આવા જ રસપ્રદ મુદ્દાઓ માટે આપ જોતા રહો કનેકટ ગુજરાત... ત્યાં સુધી મને રજા આપશો..