પાટણના પુર્વ સાંસદ મહેશ કનોડીયા બાદ હવે તેમના ભાઇ નરેશ કનોડીયાનું પણ નિધન થયું છે. ગુજરાતી ફિલ્મ જગતમાં આગવી ઓળખ ઉભી કરનારા નરેશ કનોડીયા કોરોનાથી સંક્રમિત થયાં બાદ સારવાર હેઠળ હતાં. બે દિવસના ટુંકા ગાળામાં કનોડીયા બંધુઓના નિધનથી કલા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાતી ફીલ્મ જગતના જાણીતા નામ એટલે મહેશ કનોડીયા અને નરેશ કનોડીયા. બે દિવસ પહેલાં મહેશ કનોડીયાએ ગાંધીનગર ખાતે અંતિમ શ્વાસ લીધાં હતાં. મહેશ કનોડીયાના નિધનના બે દિવસ બાદ નરેશ કનોડીયાનું પણ અવસાન થયું છે. કનોડીયા બંધુઓની વાત કરવામાં આવે તો તેઓ 2014માં લોકસભાની ચુંટણી દરમિયાન ભાજપનો પ્રચાર કરી રહયાં હતાં.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના પ્રચાર માટે તેમણે અંકલેશ્વર તાલુકાના અંદાડા ખાતે જાહેરસભાને સંબોધિત કરી હતી. સ્ટેજ પરથી તેમણે એક ગીત રજુ કર્યું હતું. જેમાં તેમણે સાથે રહેવાની અને સાથે મરવાની વાત કરી હતી. 2014માં તેમણે રજુ કરેલાં ગીતના શબ્દો આજે સાચા પડયાં હોય તેમ લાગી રહયું છે. કનેકટ ગુજરાત પરિવાર પણ બંને અદાકારોને શ્રધ્ધાજલિ અર્પણ કરી કલા જગતમાં તેમના યોગદાનને બિરદાવે છે.