મહીસાગર : લુણાવાડા APMC માર્કેટમાં ઘઉ-ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

New Update
મહીસાગર : લુણાવાડા APMC માર્કેટમાં ઘઉ-ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના APMC માર્કેટમાં ટેકાના ભાવે ઘઉ અને ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે ટેકાના ભાવે ખરીદી શરૂ થતા લુણાવાડા તાલુકા તેમજ આજુબાજુના ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.

કોરોના મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો, ત્યારે મહિસાગર જિલ્લામાં પણ કોરોના કેસમાં પણ સતત વધારો જોવા મળ્યો હતો. જેના અનુસંધાનમાં તંત્ર દ્વારા તા. 20/4/2021થી લુણાવાડા APMC માર્કેટમાં ટેકાના ભાવે ખરીદી કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. પણ હાલ કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થતાં તંત્ર દ્વારા તા. 24/5/ 2021થી ટેકાના ભાવે રાબેતા મુજબ ખરીદી શરૂ કરવામાં આવી હતી, ત્યારે લુણાવાડા તાલુકાના APMC માર્કેટમાં ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, જ્યારે ખેડૂતો દ્વારા ઘઉં અને ચણાનું ટેકાના ભાવે વેચાણ કરવા  માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન  કરવામાં આવ્યું હતું.

લુણાવાડા APMC માર્કેટમાં ટેકાના ભાવે ઘઉં આપવા માટે કુલ 299 ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 97 ખેડૂતોની  ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે, જ્યારે ચણા માટે 1088 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 379 ખેડૂતોના ચણાની  ખરીદી કરવામાં આવી હતી. આમ સરકાર દ્વારા ઘઉંના 20 કીલોના 395 રૂપિયાએ  ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી, જ્યારે ચણાની 1020 રૂપિયામાં ખરીદી કરવામાં આવી હતી. આમ તંત્ર દ્વારા દરરોજ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલા 20થી 25 ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. જોકે, હાલ ખેડૂતોના ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે લુણાવાડા તાલુકાના વધુમાં વધુ ખેડૂતો સરકારની આ યોજનાનો લાભ લઈને  પોતાના પાકનું  સારું એવું વળતર મેળવે તેવી પણ લોકોને APMC દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

Latest Stories