મહિલાઓને ગર્ભ ધારણ માટે વપરાતી ટેકનોલોજીનો ભારતમા પહેલીવાર જાનવર પર પ્રયોગ કરવામાં આવ્યો જે સફળ રહ્યો છે. ગુજરાત રાજ્યના સોમનાથ જિલ્લાના ધાણેજ ગામમાં સ્થિત વિનય વાળા નામક ખેડૂતની ભેંસે IVF થી પાડાને જન્મ આપતા દેશ વિદેશમાં તેના સમાચાર ફેલાયા છે.

ભારતમાં પહેલીવાર IVF એટલે કે કૃત્રિમ ગર્ભધાનની ટેકનિકથી ટેસ્ટટ્યુબ પાડાનો જન્મ થયો છે. બન્ની પ્રજાતિની ભેંસની આ પ્રજાતિનાં પાડાનાં જન્મની સાથે જ ભારતમા ટેકનોલોજીએ નવો ઈતિહાસ પણ રચી દીધો છે.

દેશમાં પશુધનમાં સુધારો લાવવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે ત્યારે ધનેજ ગામમાં બન્ની પ્રજાતિની ત્રણ ભેંસોને IVF માં ગર્ભાધાન માટે તૈયાર કરવામાં આવી અને તે બાદ ભ્રૂણ સ્થાપિત કરવામાં આવ્યા. જેમાંથી કુલ છ ગર્ભાધાન થયા હતા અને આખરે પહેલો IVF પાડો જન્મ્યો. આ દેશનો પહેલો એવો પાડો છે જે કૃત્રિમ ગર્ભાધાનની IVF ટેકનિકથી પેદા થયો હોય.

શું છે આ IVF?

જ્યારે કોઈ મહિલા મા નથી બની શકતી ત્યારે કૃત્રિમ રીતે તેને ગર્ભ ધારણ કરાવવામાં આવે છે જેને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. પ્રયોગશાળામાં મહિલાના એગ્સ અને પુરુષના સ્પર્મ ભેગા કરવામાં આવે અને તે બાદ તે સંયોજન જ્યારે ભ્રૂણ બની જાય ત્યારે તેને ફરીથી ગર્ભાશયમાં મૂકી દેવામાં આવે છે.