ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.બેઠકના પ્રારંભે વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓના પેન્શન કેસોના નિકાલ અને આગામી બે વર્ષમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ગુજરાત તકેદારી આયોગ તરફથી આવેલ પત્રો, વિવિધ હેતુ માટે ફાળવેલી સરકારી જમીન અંગે, એ.જી. ઓડિટના બાકી પેરાઓની માહિતી સહિતના મુદ્દાઓને આવરી લેવાયા હતાં.

કલેક્ટર કચેરી તરફથી મોકલવામાં આવેલા પત્રોની સ્થિતિ અંગે સમીક્ષા કરીને ઓનલાઈન ડેટા એન્ટ્રી સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.સાથોસાથ ઈ-સરકાર પોર્ટલના અમલ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જનસેવા કેન્દ્રની કાર્યપદ્ધતિ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.  આ સંકલન બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રિતેશ વસાવા, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા નાયબ વિકાસ અધિકારી  યોગેશ કાપસે,નિવાસી અધિક કલેકટર આર. બી. ભોગયતાં, સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.