/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/21181440/maxresdefault-64.jpg)
કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઈ છે. જોકે, હવે ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ પણ ઘટી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 23 દિવસથી સુસ્ત પડેલા વેપાર ધંધાને રાજ્ય સરકારે આજથી ખોલવાની જાહેરાત કરી છે, ત્યારે રાજ્યભરમાં સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી બજારો ધમધમતા થતાં વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે.
ગુજરાત સરકારે પુનઃ એકવાર આંશિક છૂટછાટ આપતા રાજ્યભરના બજારો ફરી ધમધમતા થયા છે. જેમાં સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી લોકોને પોતાના વેપાર-ધંધા કરવા માટેની છૂટ આપવામાં આવી છે.
વાત કરીએ સુરતની, તો સુરતના ટેક્સટાઇલ માર્કેટને પુનઃ રાબેતા મુજબ કરવા માટે છેલ્લા એક અઠવાડિયાથી વેપારીઓએ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરી હતી, ત્યારે આજથી હીરા બજાર, ટેક્સટાઇલ માર્કેટ સહિત દુકાનો ખુલતા લોકોને મોટી રાહત મળી છે. જોકે, કોરોના સંક્રમણનો સૌથી વધુ ખતરો હજુ પણ હીરા બજાર અને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં છે, ત્યારે લોકો સાવચેતી રાખી કોરોના સામેની લડાઈમાં સરકારને સહયોગ આપે તે પણ જરૂરી બન્યું છે.
વલસાડમાં પણ 23 દિવસ બાદ આજથી તમામ નાના મોટા બજારો ખુલી ગયા છે. મીની લોકડાઉન દરમ્યાન બંધ રહેલા બજારોને સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી ખોલવાની જાહેરાતના પગલે વેપારીઓમાં ખુશી જોવા મળી છે, ત્યારે પોતાના ધંધા-રોજગાર કરવા માટે વેપારીઓએ આજથી શ્રી ગણેશ કર્યા છે. જોકે, વલસાડ શહેરના બજારોમાં ભીડના દ્રશ્યો જોતાં વહીવટી તંત્ર દ્વારા લોકોને સહયોગ આપવા અંગે પણ અપીલ કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં પણ 23 દિવસના આંશિક લોકડાઉન બાદ આજે સવારે 9 વાગ્યે બજારો ખુલતાની સાથે જ શહેરના રાજમાર્ગો વાહનોથી ધમધમી ઉઠ્યા હતા. તો બજારોમાં પણ દુકાનો ખુલતાની સાથે જ ગ્રાહકો જોવા મળ્યા હતા. સરકાર દ્વારા બપોરે 3 વાગ્યા સુધી બજારો ખોલવા ખોલવાની મંજૂરી આપતા કેટલાક વેપારીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો, તો કેટલાક વેપારીઓએ નારાજગી સાથે જણાવ્યું હતું કે, ધંધાનો ખરો સમય સાંજનો હોય છે, ત્યારે સરકારે વધુ છૂટછાટ આપવી જોઈએ તે વધુ જરૂરી બન્યું છે.
કોરોનાની બીજી લહેર દરમ્યાન સૌરાષ્ટ્રભરમાં પણ પોઝિટિવ કેસમાં સતત વધારો થયો હતો. જોકે, હવે અહી કોરોનાના દર્દીઓ ઓછા થતાં રાજ્ય સરકાર દ્વારા લોકોને આંશિક છૂટછાટ આપવામાં આવી છે. જેમાં તમામ લારી-ગલ્લા અને મુખ્ય બજારો સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી હવે ખોલી શકાશે, ત્યારે મીની લોકડાઉનમાં લોકોને છૂટ મળતા આજરોજ ભાવનગરના મુખ્ય બજારો પણ ધમધમી ઉઠ્યા હતા. બજારોમાં લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખીરીદી કરતાં જોવા મળ્યા હતા. જેના કારણે વેપારી વર્ગમાં પણ ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
તો સાથે જ, ક્ચ્છ જિલ્લામાં પણ આજથી અનલોકનો આરંભ થતા બજારો ધમધમતા જોવા મળ્યા હતા. ભુજ સહિત ગાંધીધામના બજારોમાં લોકોની ચહલ પહલ જોવા મળી હતી. 23 દિવસ બાદ બજારોમાં લોકો ખરીદી કરવા આવતા વેપારી વર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.