થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં સોમવારે વહેલી સવારે એક પબમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે અને 63 લોકો ઘાયલ થયા છે. બેંગકોકના ગવર્નર કેએ જણાવ્યું હતું કે 63 ઘાયલોમાંથી 22 લોકોની હાલત ગંભીર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરના ઉત્તર ભાગમાં આવેલા એક મનોરંજન સ્થળમાં મધ્યરાત્રિની આસપાસ આગ લાગી હતી. આગ ઝડપથી આખી ઇમારતને ઘેરી લેતી હતી, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા થાઇ વડાપ્રધાન અનુતિન ચર્નવિરાકુલે મૃત્યુઆંકની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.”
પ્રત્યક્ષદર્શીઓ અને બચાવ કાર્યકરોના જણાવ્યા અનુસાર, મધ્યરાત્રિ પહેલા આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં પબના મુખ્ય પ્રવેશદ્વારમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી, જ્યારે અંદરના લોકો આશ્રય માટે દોડતા જોવા મળ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, ચતુચક જિલ્લામાં આવેલો ‘રોંગ બીયર ના લાટ ફ્રાઓ’ પબ થોડીવારમાં જ સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગયો હતો. બચાવકર્તાઓએ શરૂઆતમાં એક દાઝી ગયેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો પરંતુ બાદમાં જાણવા મળ્યું કે ઘણા લોકો ઇમારતની અંદર ફસાયેલા હતા.
અહેવાલો અનુસાર, આગથી બચવા માટે ઘણા લોકો પબના શૌચાલયમાં છુપાઈ ગયા હતા. મૃતકોમાં મોટાભાગના એવા લોકો હોવાનું માનવામાં આવે છે જેમના મૃતદેહ શૌચાલયની અંદરથી મળી આવ્યા હતા. ફાયર વિભાગની ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 30 મિનિટ સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગને કાબૂમાં લીધી હતી. ઘટના પછી બહાર પાડવામાં આવેલા ફોટામાં પબનો આંતરિક ભાગ સંપૂર્ણપણે આગમાં લપેટાયેલો જોવા મળ્યો હતો. બળી ગયેલા ટેબલ અને ખુરશીઓ અને આખી ઇમારત રાખમાં ઢંકાયેલી હોવા છતાં બચાવ ટીમોએ લાંબી શોધખોળ હાથ ધરી હતી.
