સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ ભારે કડાકો જોવા મળ્યો. મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં નકારાત્મક માહોલ સર્જાયો હતો, જેની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી. એશિયન બજારોમાં પહેલેથી જ ઘટાડાના સંકેતો દેખાઈ રહ્યા હતા અને ટ્રેડિંગ શરૂ થતાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંનેમાં ભારે વેચવાલી જોવા મળી.
શેરબજારમાં ઘટાડાના સંકેતો પહેલાથી જ દેખાઈ રહ્યા હતા અને ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તીવ્ર ઘટાડો નોંધાયો. BSE સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ગબડ્યો, જ્યારે NSE નિફ્ટી 200 પોઈન્ટ સુધી નીચે સરકી ગયો. રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો અને શરૂઆતથી જ બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી.સોમવારે BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 77,569 પોઈન્ટની સરખામણીએ 76,963 પર તીવ્ર ઘટાડા સાથે ખુલ્યો હતો. ત્યારબાદ થોડા જ સમયમાં તેમાં વધુ ઘટાડો નોંધાતાં તે 700થી વધુ પોઈન્ટ તૂટીને 76,857 સુધી પહોંચી ગયો. બીજી તરફ NSE નિફ્ટી પણ અગાઉના બંધ 24,206ની સરખામણીએ 24,039 પર ખુલ્યો હતો અને બાદમાં લગભગ 200 પોઈન્ટ ઘટીને 24,000ની આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો.
બજારમાં આવેલા આ મોટા ઘટાડાની અસર મોટા શેરો પર પણ સ્પષ્ટ જોવા મળી. BSE લાર્જકેપ કેટેગરીમાં ઇન્ડિગોનો શેર લગભગ 2.50 ટકા, ટાટા સ્ટીલનો શેર 2.35 ટકા, મારુતિનો શેર 2 ટકા અને HDFC બેંકનો શેર લગભગ 1.60 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. ઉપરાંત મિડકેપ શેરોમાં પણ ભારે દબાણ જોવા મળ્યું. મુથૂટ ફાઇનાન્સનો શેર 2.50 ટકા, અશોક લેલેન્ડનો શેર 2 ટકા, કોફોર્જનો શેર 1.95 ટકા અને HPનો શેર લગભગ 1.70 ટકા સુધી નીચે આવ્યો હતો.
