ભરૂચ જિલ્લા પોલીસની પેરોલ-ફર્લો સ્ક્વોડે જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલી એક લિસ્ટેડ મહિલા આરોપીની આણંદમાંથી ધરપકડ કરી છે. પો.સબ.ઇન્સ્પેક્ટર આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે જિલ્લાના વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને શોધવા કાર્યવાહી હાથ ધરી હતી.તપાસ દરમિયાન મળેલી બાતમી, હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનાની વોન્ટેડ મહિલા આરોપી લીલાબેન ઉર્ફે નંદુ સમસુભાઈ કાલીયાભાઈ પસાયા આણંદ જિલ્લાના વિદ્યાનગર વિસ્તારમાં જનતા ચોક પાસે હોવાની માહિતી મળી હતી.

આ માહિતીના આધારે ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે આણંદ ખાતે પહોંચીને કાર્યવાહી હાથ ધરી અને આરોપીને જનતા ચોક વિસ્તારમાંથી ઝડપી પાડી. ત્યારબાદ ભારતીય નાગરિક ન્યાય સંહિતા, 2023ની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માટે આરોપીને જંબુસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.