ગુજરાતના કૃષિ અને વેપાર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. મસાલાના ઉત્પાદન માટે વિશ્વભરમાં જાણીતા મહેસાણાના ઊંઝાના જીરું અને વરિયાળીને કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રયાસોથી પ્રતિષ્ઠિત ‘જીઆઈ ટેગ’ એનાયત કરવામાં આવ્યો છે.
એશિયાનું સૌથી મોટું જીરુ બજાર ધરાવતું ઊંઝા પોતાની અજોડ ગુણવત્તા માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. રાજસ્થાન, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી આવતા જીરું અને વરિયાળીનું મુખ્ય કેન્દ્ર ઊંઝા છે. હવે આ પાકોને સત્તાવાર ભૌગોલિક ઓળખ મળતા જ અહીંની કૃષિ વિરાસતને નવી તાકાત મળી છે.
ભારતમાંથી નિકાસ થતા કુલ મસાલા પાકોમાં ગુજરાત 80 ટકા હિસ્સો ધરાવે છે. માત્ર વર્ષ 2024-25 દરમિયાન મહેસાણાથી દુનિયાના 101 દેશોમાં 3,995 કરોડ રૂપિયાના મસાલાની રેકોર્ડબ્રેક નિકાસ થઈ છે. આ જીઆઈ ટેગ વૈશ્વિક બજારમાં ઊંઝાના મસાલાની પ્રતિષ્ઠા વધારવાની સાથે તેની માંગ અને નિકાસમાં મોટો ઉછાળો લાવશે.
આ આંતરરાષ્ટ્રીય સન્માન ઊંઝાના સુગંધિત મસાલાની ગુણવત્તાને કાયદાકીય રક્ષણ પૂરું પાડશે. સાથે જ, તે વૈશ્વિક સ્તરે ગુજરાતના કૃષિ વેપાર અને ‘વેલ્યુ એડિશન’ની મજબૂત ક્ષમતાને સાબિત કરે છે.
