-
યુવા વૈજ્ઞાનિક અને IIT ગાંધીનગરના રિસર્ચ સ્કોલરની સિદ્ધિ
-
કોલોન ટ્યુમરને અત્યંત સચોટતાથી દૂર કરતી ટેકનોલોજી
-
હાઇડ્રોજેલ ટેકનોલોજી દર્દીઓ માટે મદદરૂપ સાબિત થઈ
-
સંસોધન ‘વિક્રમ સારાભાઈ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડથી સન્માનિત
-
સ્વદેશી ટેકનોલોજી કેન્સરની સારવારમાં ‘ગેમ-ચેન્જર‘ બની
મહેસાણાના યુવા વૈજ્ઞાનિક અને IIT ગાંધીનગરના રિસર્ચ સ્કોલરએ કોલોન ટ્યુમરને અત્યંત સચોટતાથી દૂર કરવામાં મદદરૂપ થતી એક ‘હાઇડ્રોજેલ‘ ટેકનોલોજી વિકસાવી છે. તેમના આ સંશોધનને ‘વિક્રમ સારાભાઈ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ-2026‘થી સન્માનિત કરવામાં આવ્યું છે.
આંતરડાના કેન્સરની જટિલ સર્જરી હવે વધુ સુરક્ષિત અને ચોક્કસ બનશે. મહેસાણાના યુવા વૈજ્ઞાનિક અને IIT ગાંધીનગરના રિસર્ચ સ્કોલર હર્ષિલ દવેએ એક ‘હાઇડ્રોજેલ‘ ટેકનોલોજી વિકસાવી છે, જે કોલોન ટ્યુમરને અત્યંત સચોટતાથી દૂર કરવામાં મદદરૂપ થશે. મેડિકલ સાયન્સ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા આ સંશોધનને ‘વિક્રમ સારાભાઈ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ-2026‘ થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સ્વદેશી ટેકનોલોજી આગામી સમયમાં કેન્સરની સારવારમાં ‘ગેમ-ચેન્જર‘ સાબિત થશે. મહેસાણાના હર્ષિલ દવેએ તબીબી ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવી છે. તેમણે વિકસાવેલું હાઇડ્રોજેલ આંતરડાની ગાંઠ (કોલોરેક્ટલ પોલિપ્સ)ની શસ્ત્રક્રિયા આસાન બનાવશે. આ સંશોધનથી એન્ડોસ્કોપિક સર્જરી દરમિયાન ડોક્ટરોની કાર્યક્ષમતા અને દર્દીની સુરક્ષા વધારવામાં મદદ મળશે.
જોકે, આ હાઇડ્રોજેલની ‘શીયર-થિનિંગ‘ પ્રોપર્ટી તેને વિશિષ્ટ બનાવે છે. દબાણ આપતા પ્રવાહી અને દબાણ હટતા જ ફરી જેલ સ્વરૂપ ધારણ કરતું આ મિશ્રણ એન્ડોસ્કોપ દ્વારા સરળતાથી ઇન્જેક્ટ કરી શકાય છે. તે ટ્યુમરની નીચે એક મજબૂત કુશન જેવું પડ બનાવે છે, જેનાથી ટ્યુમર બહારની તરફ ઊપસી આવે છે. પરિણામે, ડોક્ટરો આસપાસના તંદુરસ્ત કોષોને નુકસાન પહોંચાડ્યા વગર ગાંઠને સચોટતાથી દૂર કરી શકે છે. આ સંશોધનને પેટન્ટ મળી ચૂકી છે અને આંતરરાષ્ટ્રીય જર્નલમાં પણ તેને સ્થાન મળ્યું છે. પ્રાણીઓ પરના સફળ પરીક્ષણ બાદ હવે ક્લિનિકલ ટ્રાયલની તૈયારીઓ ચાલી રહી છે. હર્ષિલ દવેની આ શોધ ભવિષ્યમાં કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ અને જીવનરક્ષક સાબિત થશે.
