સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નાનીભાગોળ વિસ્તારમાં આવેલા પ્રાંતિજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી નજીક એક ઇસમે પેટ્રોલ છાંટીને પોતાને આગ ચાંપી દેતા ગંભીર રીતે દાઝી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નાનીભાગોળ વિસ્તારમાં આવેલા પ્રાંતિજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી નજીક અંદાજે 50 વર્ષથી વધુ ઉંમરનો ઇસમ પોતાના સાથે પેટ્રોલની બોટલ લઈને પ્રાંતિજ દૂધ ડેરી આગળ આવ્યો હતો. ત્યારબાદ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી.
અચાનક આગની જ્વાળાઓમાં લપેટાયેલા ઇસમને જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, અને ગંભીર રીતે દાઝેલા ઇસમને સારવાર માટે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક સારવાર દરમિયાન ઇસમ શરીરે 70 ટકાથી વધુ દાઝ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેની હાલત ગંભીર હોવાથી પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ દરમિયાન તબીબો દ્વારા સમગ્ર ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ઇસમે કયા કારણોસર પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાંપી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ બનાવ પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રાંતિજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
