રાજ્યમાં રેશનિંગ કૌભાંડ રોકવા મોટો નિર્ણય
અનાજ વિતરણમાં વચેટિયાઓ આઉટ
કમાન્ડ સેન્ટરથી 17 હજાર રેશન દુકાનો પર સીધો પહેરો
રેશન સપ્લાય ચેઇનને ડિજિટલ બનાવવામાં આવી
ગરીબોના હકનું અનાજ હવે સીધું લાભાર્થી સુધી પહોંચશે
ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા રેશનિંગ ચેઇન પર સીધો પહેરો ગોઠવાયો છે. 250 ગોડાઉનથી લઈને 17 હજાર વાજબી ભાવની દુકાનો સુધીની સપ્લાય ચેઇનને ડિજિટાઇઝ કરી વચેટિયાઓ અને ગેરરીતિઓ પર કાયમી રોક લગાવી દેવાઈ છે.
ગુજરાત રાજ્યનાં 250 સરકારી ગોડાઉન અને 17 હજાર વાજબી ભાવની દુકાનોને આઇસીટી લોજિસ્ટિક્સ સોફ્ટવેર સાથે સાંકળી લેવાઈ છે. અનાજનું પરિવહન કરતાં તમામ વાહનોનું જીપીએસ અને જિયો-ફેન્સિંગ મારફતે રિયલ-ટાઇમ ટ્રેકિંગ થતું હોવાથી, નિર્ધારિત રૂટ બદલવા કે કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવાની શક્યતા હવે નહિવત થઈ ગઈ છે.
વાહન પાંચ મિનિટ પણ બિનજરૂરી રોકાય તો સિસ્ટમમાં તુરંત એલર્ટ જનરેટ થાય છે અને કંટ્રોલ રૂમ સક્રિય થઈ પગલાં ભરે છે. બીજી તરફ, ગાંધીનગરથી 7 હજાર સીસીટીવી કેમેરા અને ‘અન્ન દર્પણ’ પોર્ટલ દ્વારા ગોડાઉનના લાઈવ સ્ટોક પર ચોવીસે કલાક નજર રખાય છે. સ્માર્ટ રૂટ પ્લાનિંગને કારણે પરિવહન ખર્ચ ઘટ્યો છે અને અનાજની ઘટ અટકતાં લાભાર્થીઓને પૂરતો જથ્થો નિયમિત મળી રહ્યો છે.
આ ઉપરાંત, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે થતી ખરીદીમાં પણ આધાર, બેંક ખાતા અને જમીનના રેકોર્ડ્સની ઓનલાઇન ચકાસણી કરી રકમ સીધી ખાતામાં જમા કરાય છે, જેની માહિતી ખેડૂતોને તત્કાળ એસએમએસથી મળે છે. ટેક્નોલોજીના સચોટ ઉપયોગથી વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બની છે અને છેવાડાના સામાન્ય નાગરિકનો વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત થયો છે.
