ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર અને બિનઅધિકૃત ખનિજ વહન સામે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. તંત્રની ટીમે આકસ્મિક ચેકિંગ દરમિયાન 6 વાહનો સીઝ કરીને અંદાજિત રૂપિયા 1 કરોડ 70 લાખનો મુદ્દામાલ તેમજ રૂપિયા 12.10 લાખની રોકડ રકમ જપ્ત કરી છે.

ભરૂચના ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ 21 નવેમ્બર 2026ના રોજ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ, ભરૂચની તપાસ ટીમ દ્વારા જિલ્લાના મુખ્ય માર્ગો પર અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ-દહેજ રોડ, આમોદ-જંબુસર રોડ અને ઝઘડિયા-રાજપીપળા રોડ પર ખનિજ વહન કરતા વાહનોની સઘન તપાસ કરાઈ હતી.
આ ચેકિંગ દરમિયાન 4 વાહનોમાં ખનિજનું બિનઅધિકૃત વહન થતું હોવાનું સામે આવ્યું હતું, જ્યારે અન્ય 2 વાહનો બ્લેકટ્રેપ ખનિજનું ગેરકાયદેસર વહન કરતા ઝડપાયા હતા. વિભાગે ખનિજ વહન કરતા GJ16AY9077, GJ06AX5098, GJ16AZ4646 અને GJ06BY6636 નંબરના 4 વાહનો તથા બ્લેકટ્રેપ ખનિજ વહન કરતા GJ16AW4648 અને GJ16AU9989 નંબરના 2 વાહનો મળી કુલ 6 વાહનો સીઝ કર્યા હતા.
તપાસ ટીમે આ કાર્યવાહી હેઠળ અંદાજિત રૂપિયા 1 કરોડ 70 લાખનો મુદ્દામાલ અને રૂપિયા 12.10 લાખની રોકડ રકમ જપ્ત કરી છે. ખનિજ સંપત્તિના રક્ષણ અને બિનઅધિકૃત ખનિજ વહન પર અંકુશ મેળવવા માટે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ તપાસ અને કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી રહી છે.
