અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં 5થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે,અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે.
અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં 18 જુલાઈ, 2026ના બપોરના સમયે રામોલ-ગતરાડ રોડ પરની મહેમુદપુરા ટેલેન્ટ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. સમગ્ર ઘટનાને પગલે અસલાલી-મીની ફાઈટર, ગજરાજ, એમ્બ્યુલન્સ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોમાંથી 5ને એલજી હોસ્પિટલ અને 4 લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ઘટનાની જાણ થતાં મેયર, કમિશ્નર સ્થળ પર પહોંચ્યા હતા. મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ફેક્ટરી ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. દુર્ઘટનાને લઈને સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખવામાં આવ્યો છે.
