જંગલ જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવા આક્રમક મૂડમાં
10 થી 12 ગામના આદિવાસી ખેડૂતો સાથે સાંસદની બેઠક
અહિંસક લડત આપવા કર્યું સાંસદે ખેડૂતોને કર્યું આહવાન
સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને આપ્યો ભરોસો
જમીન હક્કની લડતમાં છેલ્લે સુધી સાથે રહીશ : મનસુખ વસાવા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેડાણ મુદ્દે ગરમાયેલું રાજકારણ હવે વધુ ઉગ્ર બન્યું છે. આદિવાસી ખેડૂતોના હક્કની આ લડતમાં હવે સાંસદ મનસુખ વસાવા ખુલ્લેઆમ ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આસપાસના અંદાજે 10 થી 12 ગામોના આદિવાસી ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ ખેડૂતો લાંબા સમયથી જંગલ જમીનના પોતાના પરંપરાગત હક્કો માટે લડત ચલાવી રહ્યા છે.
ત્યારે સાંસદ મનસુખ વસાવાએ પોતે ખોપી ગામે પહોંચીને ખેડૂતો સાથે વિગતવાર ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન સાંસદે ખેડૂતોને જંગલ જમીન સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે ખેડૂતોને ખાસ અપીલ કરી હતી કે વન વિભાગના કર્મચારીઓ સાથે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ કે અથડામણ ન કરવી. મહાત્મા ગાંધીના દર્શાવેલા અહિંસાના માર્ગે ચાલીને જ પોતાના હક્ક માટે શાંતિપૂર્ણ રીતે આંદોલન આગળ ધપાવવા જણાવ્યું હતું.
સાંસદ વસાવા તરફથી મળેલા આ મજબૂત આશ્વાસન બાદ ઉપસ્થિત ખેડૂતોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ પણ આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અને સંપૂર્ણ અહિંસક રીતે પોતાની લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
વન વિભાગ અને આદિવાસી ખેડૂતો વચ્ચેના આ જમીન વિવાદમાં હવે સાંસદના પ્રવેશથી મામલો વધુ ગંભીર બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને વન વિભાગ આ શાંતિપૂર્ણ લડત સામે શું વલણ અપનાવે છે.
