ચેન્નાઈ સુપર કિંગ્સને ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ અને લોકપ્રિય ટીમ બનાવનાર મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક ખેલાડી તરીકે IPL માંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.45 વર્ષીય ધોનીએ મંગળવારે 17 નવેમ્બર, 2026 પોતાની ભવ્ય IPL કારકિર્દી પર પૂર્ણવિરામ મૂક્યું છે. જોકે, ચાહકો માટે રાહતની વાત એ છે કે તેઓ પીળી જર્સીથી દૂર નહીં થાય.IPL 2027ની સિઝનથી તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સના ‘ટીમ મેન્ટર’ તરીકે નવી ભૂમિકામાં જોવા મળશે.

રિટેન્શન ડેડલાઈનના દિવસે CSK એ આ મોટી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા અઠવાડિયા પહેલા જ ફ્રેન્ચાઈઝીએ ઝહીર ખાનને પોતાના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા હતા, અને હવે ધોની મેન્ટર તરીકે તેમની સાથે જોડાશે.

2008માં IPLની પ્રથમ સિઝનથી જ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની ઓળખના કેન્દ્રમાં રહ્યા છે.તેમણે ચેપોક સ્ટેડિયમમાં ચાહકોનો એવો કાફલો ઊભો કર્યો જે ટૂર્નામેન્ટની સૌથી ખાસ ઓળખ બની ગયો.આ પ્રસંગે CSK ના માલિક એન. શ્રીનિવાસને 2008માં ધોનીને ટીમમાં સામેલ કરવાના નિર્ણયને પોતાના જીવનનો શ્રેષ્ઠ નિર્ણય ગણાવ્યો હતો.