/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/maxresdefault-72.jpg)
વર્ષ 1962માં ભારત સરકારના જીયોલોજીકલ વિભાગે અહીં ખોદકામ કરતાં અનેક રત્નો અને સીક્કા મળ્યા હતા.
ભરૂચ અને અંકલેશ્વરની ભૂમિનો તપોભૂમિ તરીકે પૌરાણિક ધર્મગ્રંથોમાં આજેપણ ઉલ્લેખ જોવા મળે છે. ખાસ કરીને હિડમ્બા અને ધન્વંતરી વન તરીકે પ્રચલિત અંકલેશ્વર તાલુકાનું નાંગલ ગામ એક બંદર તરીકે પણ જગ વિખ્યાત હતું. માં નર્મદાના કિનારે આવેલા નાંગલ ગામે મર્યાદા પુરષોત્તમ ભગવાન રામે કરેલા અશ્વમેધ યજ્ઞની રાખ આજે પણ અહીંથી મળે છે. જેને હાલમાં રામ ટેકરી તરીકે ઓળખવામાં આવે છે. આ રામ ટેકરી આજે પણ એક રહસ્ય બનીને રહી છે.
અંકલેશ્વરના પૌણારીક અને ધાર્મિક મહત્વ વિશે આજની 21મી સદીની પેઢી બહુ ઓછી પરિચિત છે. એક સમયે નર્મદા નદી અંકલેશ્વરની નજીકથી વહેતી હતી. માંડ 5 કિમીના અંતરે આવેલા નાંગલ ગામ તે સમયે નાંગલ બંદર તરીકે જગ વિખ્યાત હતું. મોટા વહાણો પણ અહીં લાંગરવામાં આવતા હોવાથી આ ગામનું નામ નાંગલ તરીકે પડ્યું. તો પૌણારીક ગ્રંથો અને નર્મદા પુરણમાં થયેલા ઉલ્લેખ મુજબ ભગવાન રામ વનવાસ દરમિયાન અહીંથી પસાર થયા હતા. ભગવાન રામે માં નર્મદાના પવિત્ર નાંગલ ધામ ખાતે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. જે યજ્ઞમાંથી ઉત્પન થયેલી રાખનો ઢગલો આજે પણ તેની સાક્ષી પુરાવે છે. અને તેને રામ ટેકરી તરીકે ઓળખવામાં આવે છે.
પુરાણોમાં થયેલા ઉલ્લેખ મુજબ ભગવાન રામે યજ્ઞ બાદ અશ્વમેધ માટે રહેલા રથને આ યજ્ઞ સ્થળે હોમ્યો હતો. જે રથ માટે મોગલ, ગાયકવાડ સહિત અનેક રાજા રજવાડાએ પ્રયત્ન કર્યા હતા. પરંતુ તે રાખના ઢગલામાંથી નીકળતા ભમરાના ઝુંડે ખોદકામ નહીં કરવા દેતાં ખરેખર રામ ટેકરીમાંથી નીકળતી રાખનું રહસ્ય આજે પણ અંકબંધ રહ્યું છે. આજે પણ જ્યાં રામ ટેકરી ઉપર ખોદો ત્યાં માત્ર રાખજ નીકળે છે. દરમિયાન વર્ષ 1962માં ભારત સરકારના જીયોલોજીકલ વિભાગે અહીં ખોદકામ કર્યું હતું. જેમાંથી અનેક રત્નો, સીક્કા, તેમજ હાડકા નીકળ્યા હતા. જેના અભ્યાસ તેમજ સંગ્રાહલયમાં મુકવા માટે લઈ જવાયા હતા. સંજોગો વસાત જેતે વખતે કામગીરી અટકી જતાં આજેપણ રામ ટેકરીમાંથી નીકળતી રાખનું મૂળ રહસ્ય અંકબંધ રહ્યું છે.
ગામનાં લોકોનું કહેવું છે કે વિહાર કરતા સાધુ સંતો આજે પણ આ રામટેકરીની મુલાકાતે અવશ્ય આવે છે. અહીં આવીને રામ ટેકરીની સફેદ માટી લઈ જાય છે. જે ગમે ત્યારે સાધના કરવા બેસે ત્યારે તેને કપાળે અને હાથે લગાવે છે.
બરોડા સ્ટેટનાં ગાયકવાડી શાસકોએ અહીં ખોદકામ કરી ભગવાન રામે યજ્ઞમાં હોમેલ રત્ન જડીત રથને કાઢવા તથા રામ ટેકરીનું રહસ્ય જાણવા માટે ખોદકામ કર્યું હતું. અહીં મજુરો દ્વારા ખોદકામ કરવા માટે ટેકરીના બે ભાગ પણ કર્યા હતા. જે આજે પણ મૌજુદ છે. જ્યાં ખોદકામ દરમિયાન અંદરથી નીકળતા ભમરાના ઝુંડના અવારનવાર હુમલાને લઈ મજુરોએ કામ કરવાનું બંધ કરતાં અંતે તેમણે પણ ખોદકામ અટકાવી દીધું હતું. અને રામ ટેકરીનું રહસ્ય અકબંધ જ રહી ગયું.