રાજ્યભરમાં વરસેલા કમોસમી વરસાદે નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ પાયમાલ બનાવ્યા છે. જીલ્લામાં થતાં શિયાળુ પાકને વ્યાપક નુકશાની થવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
નર્મદા જિલ્લામાં બે દિવસથી વાતવારણમાં પલટો આવ્યા બાદ જિલ્લાના 5 તાલુકામાં કમોસમી માવઠું પડતાં ખાસ કરીને ખેતીને નુકશાન પહોંચ્યું છે. તમામ જિલ્લા પંથકમાં કમોસમી માવઠું થતાં જ બેવડી ઋતુનો અહેસાસ થતા ખેડૂતોના ઉભાપાક તુવેર,કેળા, ડાંગર,કપાસના પાકમાં જીવાત પડવાથી અને ખેતીને નુકશાન થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
હાલમાં જ નર્મદા ડેમના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને મોટા પાયે ખેતીમાં નુકશાન થયું છે, જેનું સરકારે વર્તળ પણ હજુ કેટલા ખેડૂતોને ચૂકવ્યું નથી અને છેલ્લા બે દિવસથી કુદરતનો કહેર વર્તાયો છે ત્યારે 2 દિવસથી સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભાપાકને નુકશાન થતાં પડતાં પર પાટુની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જગતનો તાત હવે ફરી પાયમાલ થયો છે. કપાસ, તુવેર અને શાકભાજીમાં જીવાતો પડતા ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે. મીડિયા સમક્ષ ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી હતી.