નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેડિકલ સ્ટોર્સ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

દેશી અને વિદેશી નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેડિકલ સ્ટોર્સ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લા પોલીસવડાની ખાસ સૂચનાને પગલે રાજપીપળા શહેરમાં આવેલા તમામ નાના-મોટા મેડિકલ સ્ટોર્સ પર SOG ટીમ દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનનો મુખ્ય હેતુ મેડિકલ સ્ટોર્સ પરથી થતા નશીલી તેમજ ગેરકાયદેસર દવાઓના વેચાણ પર અંકુશ મેળવવાનો હતો. અત્રે નોંધનીય છે કે, નર્મદા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાયમી ઓફિસ કે સ્થાનિક ટીમ ન હોવાથી પોલીસ પ્રશાસન દ્વારા ખાસ ભરૂચથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને બોલાવવી પડી હતી. આ સંયુક્ત ટીમે રાજપીપળાના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી મેડિકલની દુકાનોમાં ઝીણવટભરી તપાસ કરી હતી. જોકે, સમગ્ર ઓપરેશન બાદ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કોઈ પણ મેડિકલ સ્ટોર પરથી કોઈ શંકાસ્પદ કે ગેરકાયદેસર નશીલી દવાઓ મળી આવી ન હતી, જે પ્રશાસન માટે રાહતના સમાચાર છે. પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર નશાનો વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગળ પણ આવા ચેકિંગ ચાલુ રહેશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.