તિલકવાડા તાલુકામાં જળબંબાકારની પરિસ્થિતિ

ભારે વરસાદથી અશ્વિન નદી ઉફાણે ચડી

સુરજીપુરા ગામમાં નદીના પાણી ફરીવળ્યા

નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા

પ્રાથમિક શાળા અને મકાનો પાણીમાં ગરકાવ

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે, ભારે વરસાદને પગલે સુરજીપુરા ગામમાં નદીના પાણી ઘુસી જતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા ગયા છે.

રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત અને નર્મદા જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નર્મદા જિલ્લાને હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે. ત્યારે તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામથી ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે, જ્યાં અશ્વિન નદીના પૂરના પાણી ગામમાં ઘૂસી જતાં મોટું સંકટ ઊભું થયું છે.

નર્મદા જિલ્લામાં આખી રાત વરસેલા આફતના વરસાદને કારણે અશ્વિન નદીમાં ભારે પાણીની આવક થઈ છે. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામના નીચાણવાળા વિસ્તારો જોતજોતામાં બેટમાં ફેરવાઈ ગયા છે. ગામની પ્રાથમિક શાળા તેમજ રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.

રહેણાંક વિસ્તારમાં અચાનક વરસાદી પાણી ઘૂસી જવાથી સ્થાનિક રહીશોની ઘરવખરી અને કિંમતી સામાન પલળી જતા ભારે નુકસાન પહોંચ્યું છે. લોકો પોતાના બચાવ માટે ઉંચાણવાળા વિસ્તારોમાં ખસવા મજબૂર બન્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ નર્મદા અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે સુરજીપુરાના ગ્રામજનો હવે તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે કે દર વર્ષે ઊભી થતી આ પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવે.