નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ગરીબોના ઉત્થાન માટે ફેબ્રુઆરી-2025માં શરૂ કરાયેલી ‘મિશન જી-સફલ’ યોજના અત્યારે પોતે જ આઈસીયુમાં હોય તેમ લાગી રહ્યું છે.
આ યોજના અંતર્ગત અંત્યોદય કાર્ડ ધારકોને ડેરી ફાર્મિંગ, બકરા-પાલન, નાનો વ્યવસાય અને એગ્રીકલ્ચર જેવા ચાર વિકલ્પો આપીને રોજગારી આપવાનો વાયદો કરાયો હતો. પરંતુ, આજે આશરે 1 વર્ષ અને 3 મહિના જેટલો સમય વિતવા છતાં માત્ર એગ્રીકલ્ચર સિવાય અન્ય કોઈ જ કેટેગરીના લાભાર્થીઓને હજુ સુધી સહાય મળી ન હોવાનું જાણવા મળ્યું છે. યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ગરીબ પરિવારોએ પોતાના ખર્ચે શેડ પણ તૈયાર કરી લીધા અને ડિજિટલ વોલેટ ઓપરેટ કરવા માટે વ્યાજે કે ધિરાણ પર નવા સ્માર્ટફોન પણ ખરીદી લીધા હતા. હવે આ ગરીબ પરિવારો દેવાના બોજ નીચે દબાયા છે અને દરરોજ ઓફિસોના ધક્કા ખાઈ રહ્યા છે.
બીજી તરફ, આ યોજનાને ગ્રાઉન્ડ લેવલ પર ચલાવતા ફિલ્ડકોચને જાન્યુઆરી-2026થી પગાર મળ્યો નથી. એટલું જ નહીં, ગત 11મી એપ્રિલથી તમામ ફિલ્ડકોચને હોલ્ડ પર મૂકી દેવાયા છે. હવે આ યોજના આગળ ચાલશે કે બંધ થઈ જશે, તે અંગે તંત્ર મૌન છે. ગરીબ પરિવારો અને પગાર વગર ટળવળતા કર્મચારીઓ હવે ન્યાયની માંગ સાથે ઉચ્ચ અધિકારીઓને વહેલી તકે યોગ્ય ન્યાય કરવા રજૂઆત કરી રહ્યા છે.અને જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગ કરવામાં આવી છે.
