ગુજરાત રાજ્યમાં નવરાત્રી ફીવર શરૂ : નવરાત્રીમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં થનગણાટ

New Update
ગુજરાત રાજ્યમાં નવરાત્રી ફીવર શરૂ : નવરાત્રીમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં થનગણાટ

ગરબાનું ઘેલું ગુજરાતીઓને જ નહીં પણ અન્ય રાજ્યના લોકોમાં પણ જોવા મળ્યું

નવરાત્રિને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે, નવ દિવસની આસ્થા અને શ્રદ્ધાના સૌથી લાંબા ગુજરાતી તહેવારને ભરૂચ જિલ્લાના ખૈલૈયા મનભરીને માણવા માટે કમર કસી રહ્યા છે. આજની યંગ જનરેશન ભલે ટ્યુશન ક્લાસિસ જવામાં આળસ કરતી હોય પરંતુ ગરબાના અવનવા સ્ટેપ્સ શીખવા માટે ગરબા ક્લાસ જરૂર જવા લાગી છે. નવરાત્રીમાં ગરબાની રમઝટ અને ગીત સંગીતની સાથે સાથે કોસ્ચ્યુમની પણ બોલબાલા રહે છે. ત્યારે કનેકટ ગુજરાત દ્વારા ગરબા ગુરૂઓની અને અન્ય રાજ્યમાંથી વસેલા ખેલૈયાઓની અહીં મુલાકાત લેવાનો એક પ્રયાસ કર્યો છે.

વિવિધ ધર્મો, પ્રાંતો કે ભાષાઓ સાથે નૃત્યો પણ આપણી ભારતીય સંસ્કૃતિના વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન્સ સુધી તમામ વયના લોકો આ નૃત્યની મજા માણી શકે છે. નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે, દેશમાં અને ગુજરાત રાજ્યમાં નવરાત્રી ફીવર શરૂ થઈ ચૂક્યો છે. યુવાનોથી માંડીને ગૃહિણીઓ અને સિનિયર સિટીઝનમાં પણ ગરબાના નવા સ્ટેપ્સ શીખવા માટે નો ઉત્સાહ ભરપૂર જોવા મળી રહ્યો છે. અવનવા મુવ્ઝ દ્વારા મિત્રો અને ઓળખીતાઓને ચોંકાવી દેવા અને પોતાના વિસ્તારમાં થતી નવરાત્રીમાં ઇનામ મેળવવાની તમન્ના પુરી કરવા માટે ગરબા રસિકો ગરબા કલાસીસ તરફ વળી રહ્યા છે.

હિન્દૂ ધર્મમાં નવરાત્રી જ એક એવો તહેવાર છે જેમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, માતાજીની આરાધના,જગદંબાની ભકિત અને ખૂબ મસ્તી સાથે તંદુરસ્તીની અનોખી ફોર્મ્યુલા પણ સમાયેલી છે. આજની ભાગદોડ ભરેલા જીવનમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી બાબતે લોકો સજાગ બનવા લાગ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો જિમ, યોગા કલાસીસ, ઝૂમ્બા કલાસીસ, એકવા ઝૂમ્બા, સ્વિમિંગ, એરોબિક્સ સહિત જાતજાતના અને ભાતભાતના વ્યાયામો કરતા થયા છે. હવે લોકોને વર્કઆઉટમાં પણ વેરીએશન જોઈએ છે. કારણ કે રોજે રોજ એકની એક કસરતોથી તેઓ કંટાળી જાય છે.

આ સંદર્ભે વાત કરતા નવરંગ ગરબા ક્લાસિસના સંચાલક દેવેશ ભગતના જણાવ્યા અનુસાર આ વખતે કચુકો, રમઝટિયો મોરલો જેવા સ્ટેપ્સ સાથે ગુજરાતની આગવી ઓળખ એવા ગરબાને જીવંત રાખવા તેઓ મહેનત કરી રહ્યા છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સરદાર કોલોની નજીક ગરબાના કલાસ શરૂ કરવા પાછળ તેઓનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક વસાહતમાં રહેતા અન્ય રાજ્યના અન્ય જાતિના ધર્મના અને સમાજના બાળકો અને પરિવારો પણ ગુજરાતની આ સંસ્કૃતિને ઓળખી અને ગરબે ઘૂમી માં આદ્યશક્તિની આરાધનામાં મગ્ન બની જાય છે.

ગરબા શીખવા અને ગરબાના ક્લાસિસમાં જવા માટેના બીજા અન્ય કારણો પણ હોઈ શકે છે જેમ કે વેઇટ લોસ થાય તે માટે પહેલી પસંદગી કરાય છે ગરબાની. ગ્રાઉન્ડ પર સતત ૪ થી ૫ કલાક ગરબા રમવા માટે સ્ટેમીના મેળવવા ૪ મહિના પહેલાથી ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દેવી પડે છે. ગરબા ક્લાસમાં ગરબા શીખવા પાછળનો મોટો ફાયદો એ છે કે ૪ મહિના ગરબા શીખતાં શીખતાં વેઇટ લોસ પણ કરી શકાય છે. કપલમાં ગરબા રમવા હોય તો એક્શન અને ટાઇમિંગ મેચ કરવા માટે પણ ૪ મહિના અગાઉથી કપલ દ્વારા કલાસ જોઈન્ટ કરી પ્રેક્ટિસ શરૂ કરી દેવાય છે.

Latest Stories