/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/maxresdefault-42.jpg)
નવરાત્રીમાં હવે ડ્રેસ કોડ વધ્યો છે, ગૃપ ગરબામાં એક સરખા ડ્રેસનાં ભાડા લોકોને પોસાય છે.
નવલી નવરાત્રિને હવે માત્ર ગણતરીનાં કલાકો બાકી છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. ત્યારે હજી પણ નવરાત્રિને લઈને બજારમાં ક્યાંય ખરીદીનો માહોલ જામ્યો હોય તેવું જણાતું નથી. હવે નવરાત્રિને પણ GST નડ્યું છે. જેના પગલે હવે લોકો ગૃપ ગરબા તરફ વળ્યા છે. અને નવરાત્રિનો આખો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. પહેલાં યુવતીઓ ચણીયા ચોલી ખરીદીને લાવતી હતી. હવે ભાડેથી રાખી પોતાના શોખ પુરા કરવા મજબૂર બન્યા છે. ત્યારે ગૃપમાં ડ્રેસકોડ બનાવી એકસાથે જ બુકિંગ કરાવીને ખેલૈયાઓ પોતાનો શોખ પુરો કરી રહ્યા છે.
ભરૂચમાં દુકાન ધરાવતા શીતલબહેનનું કહેવું છે કે, GSTમાં વધારો થતાં હવે નવરાત્રિમાં લોકો સીંગલ ખરીદી કરવાનું ટાળે છે. અને ગૃપ ગરબાનો કોન્સેપ્ટ વધી રહ્યો છે. વ્યક્તિગત ચણીયાચોલી ખરીદવાનું ટાળીને હવે લોકો ગૃપ ગરબા વધુ પસંદ કરે છે. જેનાથી ચણીયા ચોલી ખરીદવાની જરૂર પણ નથી પડતી. આખું ગૃપ એક જ સરખા ડ્રેસ ભાડે લઈને નવરાત્રિમાં ગરબે ઘુમવાનું પસંદ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે નવી ખરીદી કરીને જીએસટી ચૂકવવા કરતા ઓછા ભાડામાં શોખ પુરો કરવો ઈઝી રહે છે. હવે લોકો કપલમાં પણ ભાડે જ ડ્રેસ રાખીને નવરાત્રિનો આનંદ લઈ રહ્યા છે. હાલમાં ભરૂચમાં કચ્છી, ગામઠી, રબારી, ફેન્સી જેવી વેરાયટી લોકો વધુ બુક કરાવી રહ્યા છે.
ગૃહિણી કિન્નરી રાણાએ જણાવ્યું હતું કે, પહેલાં જ્યારે સિંગલમાં ગરબા રમવા માટે જતા ત્યારે એક બીજાની ચોલી અદલા બદલી કરીને ચલાવી લેતા હતા. હવે ગૃપમાં ગરબા રમવાનું વધુ પસંદ કરીએ છીએ. અને ગૃપમાં જો ગરબાનાં ડ્રેસ કે ચણીયા ચોલી ખરીદવામાં આવે તો તે મોંઘી પડે છે. એટલે હવે ગૃપમાં ભાડે ડ્રેસ રાખી શોખ પુરા કરવા પડે છે. હવે લોકોને વાર તહેવારે અલગ અલગ વસ્તુ-કપડાંની ખરીદી કરવી પણ પોસાતી નથી.