આપણે ત્યાં એક ખૂબ જ પ્રચલિત કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવતને સાચી સાબિત કરતો એક બનાવ ભીલાડના એક પરિવારની બે વર્ષની દીકરી સાથે બન્યો છે. મુંબઈથી ઉપડતી અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાંથી પટકાયેલ બાળકીને આર.પી.એફ.ના જવાને ટ્રેક પરથી શોધી કાઢી તેનો જીવ બચાવ્યો હતો.
મુંબઈથી ઉપડતી અવંતિકા એક્સપ્રેસમાં ભીલાડનો પરિવાર એમપી જવા માટે સવાર હતા ત્યારે ઈમરજન્સી વિન્ડો પાસે બેસેલા પરિવારની દીકરી રુહી બિલ્લીમોરા પાસેના કોઈ વિસ્તારમાં ચાલુ ટ્રેન માંથી નીચે પટકાઈ હતી,ત્યારબાદ ટ્રેન અમલસાડ પહોંચતા દીકરીની શોધમાં બેબાકળા બનેલા પરિવારે અમલસાડ રેલવે સ્ટેશન માસ્તરને આ અંગે ફરિયાદ કરતાં સ્ટેશન માસ્તરે તુરંત બીલીમોરા રેલવે સ્ટેશનના આર.પી.એફના સ્ટાફને જાણ કરી હતી જેથી સ્ટાફ તુરંત જ બીલીમોરા થી અમલસાડ ટ્રેક પર તપાસ કરતા આવ્યા હતા.
તપાસ દરમિયાન ચિમોડીયા નાકા થી થોડે દુર આવેલ નાળા પાસે બાળકીનો રડવાનો અવાજ આવતા તેને શોધી કાઢી તેના માથામાં હાથમાં ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા તુરંત કાળજીપૂર્વક તેને હોસ્પિટલ સારવાર માટે મોકલી હતી. ભિલાડ ના પરિવાર માટે ભગવાન બની ને તાત્કાલિક શોધ ખોળ કરનાર RPF ના જવાન શૈલેષ પટેલએ કાબિલે દાદ કામગીરી કરીને માસૂમ દીકરીને મોત ના મુખ માંથી પછી લાવી હતી.