/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/15163759/maxresdefault-188.jpg)
શ્રમિક-ગરીબ આદિવાસીઓને રોટલો રડી આપીને જીવાદોરી બનેલ અનેક રૂટની નેરોગેજ ટ્રેનોને કેન્દ્ર સરકારે બંધ કરી દેતા સ્થાનિક આદિવાસીઓમાં રોષ જોવા મળ્યો છે. આધારસ્તંભ છીનવાયો હોવાનો અહેસાસ થતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થયા છે, ત્યારે નવસારી જિલ્લાના બીલીમોરા થઈ ડાંગ જિલ્લાના વઘઇ સુધી જતી નેરોગેજ ટ્રેનને ફરી શરૂ કરવાની માંગ સાથે વાંસદા-ચીખલીના ધારાસભ્ય સ્થાનિકોની વ્હારે આવી પ્રતીક ધરણા પર બેસી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે.
આદિવાસીઓના આત્મીયતા સાથે જોડાયેલ નેરોગેજ ટ્રેન એ આદિવાસી માટે વાહન વ્યવહારની પ્રથમ પસંદ બની હતી. અંગ્રેજ શાશન અને ગાયકવાડ રાજાના સમયકાળમાં શરૂ થયેલ 110 વર્ષ જૂની નેરોગેજ ટ્રેનથી આદિવાસીઓ શહેરો તરફ આવીને ધંધો-રોજગાર મેળવી શકે અને તેની સાથે જ આદિવાસી વિદ્યાર્થીઓ પણ શિક્ષણ કાર્ય માટે ટ્રેનનો સહારો લઇ શકે તેવા ઉમદાહેતુથી શરૂ થયેલી નેરોગેજ ટ્રેનને કેન્દ્ર સરકારે એકાએક બંધ કરી દેતા આદિવાસીઓમાં નારાજગીનો સૂર ઉઠ્યો છે. સરકારની ઉદાસીન નિતિના કારણે શ્રમિક આદિવાસીઓ ઊંચા ભાડા આપીને એસ.ટી. બસમાં બેસવા મજબૂર બન્યા છે. રાહતદરે શરૂ થયેલી નેરોગેજ ટ્રેનના બંધ થવાથી શ્રમિક અને ગરીબ આદિવાસીઓ પર આર્થિક સંકટ આવવાના કારણે અલગ અલગ વિસ્તારોમાં વિરોધ દર્શવવામાં આવી રહ્યો છે, ત્યારે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ આદિવાસીઓના પડખે ઉભા રહી તેઓના આંદોલનમાં જોડાયા છે. નવસારી જિલ્લાના બીલીમોરા થઈ ડાંગ જિલ્લાના વઘઇ સુધી જતી નેરોગેજ ટ્રેન ફરી શરૂ થાય તેવી ઉગ્ર માંગ સાથે ઉનાઈ ગામના નેરોગેજ ટ્રેનના સ્ટોપેજ નજીક પ્રતિક ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.