નવસારી : દર્દીઓને મળી રહેશે વિનામુલ્યે સારવાર, ઠેર ઠેર કોવીડ કેર સેન્ટર શરૂ કરાયાં

New Update
નવસારી : દર્દીઓને મળી રહેશે વિનામુલ્યે સારવાર, ઠેર ઠેર કોવીડ કેર સેન્ટર શરૂ કરાયાં

રાજયભરમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે ત્યારે દર્દીઓની હાલાકી ઓછી કરવા માટે નવસારી જિલ્લામાં કોવીડ કેર સેન્ટર શરૂ કરાયાં છે.

નવસારીમાં વધતા કોરોના કેસોને જોતા હવે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 230 બેડના કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જેથી અહીં કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે, ત્યારે આજે જિલ્લા ભાજપના અને દાતાઓના સહયોગથી 100 બેડના નમો કોવિડ સેન્ટરનો ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પ્રારંભ કરાવ્યો હતો. કોરોનાના વધતાં કેસના સંદર્ભમાં ખાનગી અને સરકારી હોસ્પિટલો હાઉસફુલ થઇ ચુકી છે. દર્દીઓને સારવાર મળી રહે તે માટે જિલ્લા ભાજપના નેજા હેઠળ અલગ-અલગ ચાર એનજીઓ દ્વારા નવસારી પાલિકાના કોમન પ્લોટ નજીકમાં એચ. દિપક કંપનીની બિલ્ડિંગમાં 100 બેડની નમો કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેનો નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પ્રારંભ કરાવ્યો હતો.

જેમાં આઠ ડોક્ટરો સહિત નર્સિંગ સ્ટાફ અને 30 ઓક્સિજન બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે જ હવામાંથી 30 બાટલા ઓક્સિજન જનરેટ કરી શકાય, એ પ્રકારનો પ્લાન્ટ પણ પ્રારંભિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ વધુ 90 બાટલા ભરી શકાય એ પ્રકારનો પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સાથે ચીખલી સ્થિત શારદા ફાઉન્ડેશન અને ચીખલી રોટરી ક્લબ ઓફ રિવરફ્રન્ટ દ્વારા પણ 50-50 બેઠકોના કોવિડ કેર સેન્ટર તથા નવસારીના પ્રભાકુંજ ફાઉન્ડેશને પણ 30 બેડના સેન્ટરનો પ્રારંભ કર્યો છે. જેથી જિલ્લામાં અંદાજે 230 જેટલા નવા બેડ કોરોનાના દર્દીઓ માટે ઊભા થયા છે, જે જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Latest Stories