/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/25205352/maxresdefault-321.jpg)
ગુજરાત સરકારને ઊથલવી દેવાના ષડયંત્રનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે. વ્યારાના કટાસવણ ગામથી ત્રણ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે. આ નક્સલીઓ ગુજરાતમાં પણ નક્સલવાદ ઉભું કરવાનો કારસો રાચતા હોવાનો ખુલાસો એટીએસે કર્યો છે. એટીએસે કેટલાક દસ્તાવેજો પણ કબ્જે કર્યા છે. તો આવો જોઈએ કોણ છે આ નક્સલીઓ...
ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા આ વ્યક્તિઓ કોઈ સામાન્ય ગુનેગારો નથી પરંતુ નક્સલી માનસિકતા અને પ્રવૃતિ સાથે જોડાયેલા ગુનેગારો છે. ગુજરાત એટીએસની ગિરફ્તમાં ઉભેલા આ ત્રણેય આરોપીઓ રાજ્ય સરકારને ઉથલાવી દેવા માટેનું ષડયંત્ર રચી રહ્યા હોવાનું એટીએસની તપાસમાં સામે આવ્યું છે. આ આરોપીઓ સતીપતિ પંથની માનસિકતા સાથે જોડાયેલા છે. ઉપરાંત પથલગડી આંદોલનમાં પણ તેમનો સિંહફાળો રહેલો છે. મૂળ ઝારખંડના સામો ઉરૈયા, બિરસા ઉરૈયા તથા બબીતા કછપ આ ત્રણેય નક્સલીઓ સરકાર વિરોધો માનસિકતા ધરાવે છે. આ ત્રણેય નક્સલીઓ તાપીના વ્યારા ગામમાં નક્સલવાદ ઉભો કરવાનો કારસો રચી રહ્યા હતા. ગુજરાત એટીએસે આ ત્રણેયની ધરપકડ કરી લીધી છે અને તપાસ હાથ ધરી છે.
ઝારખંડમાં ખૂંટી જિલ્લામાં 2016માં પથલગડી ચળવળના નામે હિંસામાં આ ત્રણેય સામેલ હતા. તેઓની વિરુદ્ધ ઝારખંડમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. પથલગડી ચળવળના ઇતિહાસની વાત કરીએ તો ઝારખંડમાં આદિવાસી સમુદાયનો રિવાજ છે કે મૃત વ્યક્તિની સમાધિ બનાવી એક સંદેશો કોતરવામાં આવે છે અને તે સંદેશો સરકાર અને સિસ્ટમની વિરોધમાં રહેતો હોય છે.આજ પ્રકારનું ષડ્યંત્ર ગુજરાતમાં શરુ કરવાના હતા, જેને લઈને આ ત્રણેય લોકો ગુજરાતના સતીપતિ સંપ્રદાયના અનુયાયીઓ સાથે હિંસક માધ્યમથી પ્રચાર કરી રહ્યા હતા. જે ગુજરાત એટીએસના ટેક્નિકલ સર્વેલન્સના ધ્યાને આવતા આખો મામલો સામે આવ્યો હતો...
ગુજરાત એટીએસની તપાસમાં પથલગડી વિચારધારાનો પ્રચાર કરવા માટે નાણાં એકત્ર કરવા આવ્યા હોવાનો ખુલાસો થયો છે. ઉપરાંત સ્થાનિકોમાં સરકારને લઈને તિરસ્કાર પેદા કરવાનો પ્રયાસ, સરકાર વિરુદ્ધ હિંસક બળવાનું વાતાવરણ ઉભું કરવાના ફિરાકમાં હતા. હાલ એટીએસે આ નક્સલીઓ પાસેથી પ્રતિબંધિત સંગઠન ગણાતી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માઓવાદીને લગતી પત્રિકાઓ અને મોબાઈલ અને લેપટોપ કબ્જે કર્યા છે અને આ તમામની કોલ ડિટેઇલના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.