આખી દુનિયા પર કોરોનાના નવાં વેરિઅન્ટ ઓમિક્રોનનું જોખમ તોળાઈ રહ્યું છે. તેવામાં ઈઝરાયલથી ભયભીત સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલની ગર્ભવતી મહિલાને કોવિડ-10 અને ઈન્ફ્લુએન્ઝાનું ડબલ સંક્રમણ થયું. આ બીમારીનું નામ ‘ફ્લોરોના’ છે. આ નવી બીમારીએ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. મળતી માહિતી પ્રમાણે, ફ્લોરોના ડેલ્ટા અથવા ઓમિક્રોનની જેમ કોરોનાનો કોઈ નવો વેરિઅન્ટ નથી. ફ્લોરોનાથી પીડિત દર્દી કોરોના વાઈરસ અને ઈન્ફ્લુએન્ઝા બંને વાઈરસથી એક સાથે પીડાય છે. તેનાથી સંક્રમણનું વધારે જોખમ રહે છે. મહામારીની એન્ટ્રી થયા બાદ ફ્લોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. કોરોના વાઈરસ આપણા શ્વસન તંત્ર પર અસર કરે છે તો ઈન્ફ્લુએન્ઝાના સંક્રમણથી ન્યૂમોનિયા અને માયોકાર્ડિટિસ જેવી ગંભીર બીમારી થઈ શકે છે. તે એટલી ગંભીર હોઈ શકે કે દર્દીનું મૃત્યુ થઈ શકે છે.ઇઝરાયલ સ્વાસ્થ્ય મંત્રાલય અને અમેરિકાના CDCના રિપોર્ટ પ્રમાણે, ફ્લોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લાં એક અઠવાડિયાંમાં ઈઝરાયલની હોસ્પિટલમાં આશરે 1849 ઈન્ફ્લુએન્ઝાના દર્દીની સારવાર કરવામાં આવી. ઓમિક્રોનના કારણે કોરોનાના કેસ દરરોજ બમણા થઈ રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ઈઝરાયલમાં ઓમિક્રોનની લહેર આગામી 3 અઠવાડિયાંમાં પીક પર હશે. ડેટા પ્રમાણે, ફ્લોરોનાથી પીડિત વ્યક્તિમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. તેમાં ન્યૂમોનિયા, માયોકાર્ડિટિસ અને અન્ય શ્વાસ સંબંધિત બીમારી થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો આ બીમારી જીવલેણ સાબિત થઈ શકે છે.
