અમદાવાદ સહિત રાજ્યના 4 મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. આજે પોલીસ વડા આશિષ ભાટિયાએ ચાર શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી છે. આ ચારેય શહેરોમાં નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રહેશે.
ગુજરાતમાં કોરોનાના કેસો વધતા 23 નવેમ્બરે અમદવાદમાં સતત કર્ફ્યૂની સાથે અન્ય ત્રણ શહેરો એવા સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યૂ મુકવામાં આવ્યો હતો. ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, ત્યારે ફરીથી કર્ફ્યૂ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.