પાલનપુર : સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીનું બક્ષીવાસમાં આવેલું પૈતૃક ઘર બિસ્માર, રસ્તાનું બોર્ડ પણ ગાયબ

New Update
પાલનપુર : સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીનું બક્ષીવાસમાં આવેલું પૈતૃક ઘર બિસ્માર, રસ્તાનું બોર્ડ પણ ગાયબ

બક્ષીબાબુના નામથી જાણીતા ખ્યાતનામ સાહિત્યકાર સ્વ. ચન્દ્રકાન્ત બક્ષી તેમના વતન પાલનપુરમાં વિસરાય ગયાં હોય તેમ લાગી રહયાં છે. જેમણે પોતાની કલમ થકી પાલનપુરનું નામ દેશભરમાં ગુંજતું કર્યું તેવા વિરલ સાહિત્યકારનું પાલનપુર ખાતેનું મકાન હાલમાં જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યું છે તેમજ તેમના નામનો રોડ પણ જાણે અતિતના કાળખંડમાં દબાઈ ગયો છે.

પાલનપુરમાં ખોડા લીંમડાના બક્ષીવાસમાં જન્મેલા સાહિત્યકાર ચંદ્રકાન્ત બક્ષીએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સારી નામનાં મેળવી હતી. 20 ઓગસ્ટ 1932 ના રોજ જન્મેલ ચંદ્રકાન્ત બક્ષીએ આત્મકથા, નવલકથા, નવલિકા ક્ષેત્રે કુલ 178 પુસ્તકો લખ્યાં છે. જોકે સમય જતા તેમણે અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. સાહિત્યકાર ચંદ્રકાંતબક્ષી બક્ષીબાબુનાં હુલામણા નામથી જાણીતાં હતા. તેમની આત્મકથા બક્ષીનામાં ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. તેઓનું 25 માર્ચ 2006 ના રોજ અવસાન થયું હતું. જોકે હાલમાં જ 25 માર્ચના રોજ તેમની પુણ્યતિથિ પર પણ કોઈએ આ સાહિત્યકારને યાદ ના કરતા સાહિત્ય પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.તેમનું વતનનું ઘર આજે કોઈ બીજાનાં નામે છે અને તે પણ અત્યંત ખંડેર હાલતમાં જોવા મળે છે. આટલા મોટા વિરલ સાહિત્યકારની ધરોહરને સાચવવા માટે કોઈ જ તૈયાર નથી.

ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર ચંદ્રકાન્ત બક્ષીના નિધન બાદ તંત્રે મોટી બજારથી ખોડાલીમડાં સુધીના માર્ગને ચન્દ્રકાન્ત બક્ષી માર્ગ નામ તો આપ્યું હતું. પરંતુ આજે ત્યાં બક્ષી માર્ગનું બોર્ડ પણ નથી અને રોડની હાલત પણ અત્યન્ત બિસમાર જોવા મળે છે. તેમના ઘરને બક્ષી લાયબ્રેરીમાં બદલી સાહિત્યકારની યાદોને જીવંત રાખવા માટે તંત્ર પ્રયાસ કરે તેવી સાહિત્ય પ્રેમીઓની લાગણી છે.

ઉલ્લેખનીય છે કે એક સમયે જે ચન્દ્રકાન્ત બક્ષીના નામથી પાલનપુરના હોવાનો ગૌરવ લેતાં હતા તે નગરજનો આજે આ બક્ષીબાબુની પુણ્યતિથિ પર પણ તેમને યાદ નથી કરતા. ત્યારે અહીંયા એક ભજનના બે શબ્દો યાદ આવે છે… આવે છે કે તું કિતના બદલ ગયા ઈન્સાન ,કે તું કિતના બદલ ગયાં ઈન્સાન.

Latest Stories