પંચમહાલ: કોરોના બેકાબૂ બનતા તંત્ર હરકતમાં; HRCT સિટી સ્કેનના દર પણ કરાયા નિયત

પંચમહાલ: કોરોના બેકાબૂ બનતા તંત્ર હરકતમાં; HRCT સિટી સ્કેનના દર પણ કરાયા નિયત
New Update

રાજ્યભરમાં કોરોના કહેર બેકાબુ બની રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લો પણ કોરોનાની બીજી લહેરમાંથી બાકાત નથી. પંચમહાલ જિલ્લામાં પણ બીજી લહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહયો છે. જેને લઈને પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા પણ સંક્રમિત દર્દીઓને સારવાર મળી રહે તે માટે સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લામ હાલમાં રોજના સરેરાશ 30 ઉપરાંત કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે. ત્યારે જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તે મુજબ ખાનગી લેબમાં આવતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ અલગ હોય તો નવાઈ નહીં. જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 4727 થવા પામી છે. તેમજ હાલ જિલ્લામાં કુલ 272 દર્દીઓ સક્રિય છે. શહેરી વિસ્તાર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ કોરોનાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

જિલ્લા કલેક્ટર દ્વારા કોરોનાના દર્દીઓ માટે પંચમહાલ જિલ્લાની ગોધરા ખાતેની સરકારી સિવિલ હોસ્પિટલમાં 100 બેડ ફૂલ થઈ જતા ગોધરા સરકારી નર્સિંગ સ્કૂલ ખાતે અગાઉ 100 બેડની કોવિડ-19 હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ કેસોની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાને લઈને ગોધરા ખાતે આવેલી નર્સિંગ સ્કૂલ ખાતે 200 બેડ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ નર્સિંગ સ્કૂલ ગોધરા ખાતે કાર્યરત કરવામાં આવેલ કોવિડ-19 હોસ્પિટલમાં કુલ 300 પથારીની સ્ટ્રેન્થ કરવામાં આવી છે. જેમાં નર્સિંગ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓક્સિજનથી સજ્જ નવીન 40 બેડ સાથે ICU વોર્ડ ઉભો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ગોધરા સિવિલ હોસ્પિટલમાં વધુ 57 બેડને ઓક્સિજનથી સજ્જ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ પંચમહાલ જિલ્લામાં કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે કરવામાં આવતા હાઈ રીઝોલ્યુશન સીટીસ્કેન ઓફ ચેસ્ટ (HRCT) નામના સીટી સ્કેન માટે વધુ નાણાં વસુલવામાં આવતા હોવાની ફરિયાદો બાદ હવેથી આ સીટીસ્કેન  ટેસ્ટ માટે રૂ.2500ની રકમ ફિક્સ કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લામાં માત્ર 3 જ ખાનગી સંસ્થાઓ દ્વારા આ પ્રકારના એક્સરે ટેસ્ટ કરવામાં આવે છે.જેમાં ગોધરા ખાતે 2 અને હાલોલ ખાતે 1 સંસ્થાનો સમાવેશ થાય છે. જિલ્લા કલેકટર દ્વારા આ ખાનગી ઈમેજિંગ સેન્ટરના સંચાલકો સાથે બેઠક યોજીને ટેસ્ટ અંગેનો મહત્તમ ભાવ રૂ.૨૫૦૦ નક્કી કરવામાં આવ્યો છે. ગોધરા શહેરમાં આવેલ 2 ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ-19 હોસ્પિટલ તરીકેની પણ મંજૂરી આપવામાં આવી છે. આ ખાનગી હોસ્પિટલો સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલો માટે નક્કી કરવામાં આવેલા દરે દર્દીને સારવાર કરી શકશે. ગોધરા શહેરની ફખરી હોસ્પિટલ અને સનરાઈઝ હોસ્પિટલને કોવીડ-19 હોસ્પિટલ તરીકેની માન્યતા આપવામાં આવી છે. તેમજ જિલ્લામાં કોરોનાના રેમડેસીવીર ઈન્જેક્શનની કોઈપણ જાતની અછત ન હોવા અંગેનો પણ દાવો જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં 200 ઈન્જેક્શન ઉપલબ્ધ છે તેમજ વધારાના 300 ઈન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં ફાળવવામાં આવનાર છે તેમજ અત્યાર સુધીમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી 84 ઈન્જેક્શનના ડોઝ આપવામાં આવ્યા હોવાનું પણ ઉમેર્યુ હતું. આ ઈન્જેક્શનના વિતરણ બાબતે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આ તમામ ગતિવિધિ પર નજર રાખવા માટે નાયબ કલેકટર કક્ષાના અધિકારીની નિમણુંક પણ કરવામાં આવનાર હોવાનું કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

#Corona Virus #Panchmahal #COVID19 #CT scan #Rates #HRCT #covid19 Hospital
Here are a few more articles:
Read the Next Article