પંચમહાલમાં સળંગ બીજા દિવસે ધોધમાર વરસાદ

જાંબુઘોડામાં બે જ કલાકમાં ખાબક્યો સાડા પાંચ ઇંચ વરસાદ

હાલોલમાં 3 ઈંચ અને કાલોલમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો

ઘોઘંબામાં મેઘમહેરથી ખેડૂતોમાં આનંદની લહેર

લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા વહીવટીતંત્રની અપીલ

પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાએ સતત બીજા દિવસે પણ પોતાની તોફાની બેટિંગ ચાલુ રાખી છે.જિલ્લાના હાલોલ, કાલોલ, જાંબુઘોડા અને ઘોઘંબા સહિતના તાલુકાઓમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાએ સતત બીજા દિવસે પણ પોતાની તોફાની બેટિંગ ચાલુ રાખી છે. વહેલી સવારથી જ હાલોલ શહેર તેમજ આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના હાલોલ, કાલોલ, જાંબુઘોડા અને ઘોઘંબા સહિતના તાલુકાઓમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સતત વરસી રહેલા આ મુસળધાર વરસાદને કારણે સમગ્ર પંચમહાલ જિલ્લાના જનજીવન પર તેની વ્યાપક અસર પડી છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.

આજના આ વરસાદમાં પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડા તાલુકામાં નોંધાયો છે. જાંબુઘોડામાં સાંજે માત્ર બે કલાકના ટૂંકા સમયગાળામાં જ સાડા પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા સમગ્ર જાંબુઘોડા અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

બીજી તરફ, કાલોલ તાલુકામાં પણ મેઘરાજાએ મહેર કરી હતી અને અહીં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેના કારણે કાલોલના તમામ નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. તો હાલોલ શહેરમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના મુખ્ય કસ્બા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. કસ્બા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જોકે, ઘોઘંબા પંથકમાં પણ બે ઇંચ જેટલો સંતોષકારક વરસાદ વરસ્યો છે. સતત વરસી રહેલા આ વરસાદના કારણે ઘોઘંબાના સ્થાનિક ખેડૂતો અને ધરતીપુત્રોમાં ભારે ખુશી અને હરખનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વરસાદથી પાકને મોટો ફાયદો થશે.