પાટણ તાલુકાના બાલિસણા ગામે તાજેતરમાં પાટીદાર યુવાનો દ્વારા જુના સ્મશાનમાં સાફસફાઈ કરીને ગામમાં જ અંતિમવિધી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દાનમાં મળેલ નવીન સગડી શનિવારના રોજ સ્મશાનમાં લાગાડવામાં આવી હતી. યોગાનુયોગ વૃદ્ધ દાતાનું 85 વર્ષની વયે નિધન થતા નવીન સગડી પર સૌપ્રથમ તેમના અગ્નિદાહનો અનોખો સંયોગ રચાયો હતો.
પાટણના સિદ્ધપુર મુક્તિધામ દ્વારા દૂરના મૃતકોને અંતિમવિધી માટે ન લાવવા અપીલ કરવામાં આવી હતી. જોકે 5 ગામ લેઉવા પાટીદાર સમાજના મણુંદ, સંડેર અને બાલિસણા ગામોમાં જુના સ્મશાનોમાં અગ્નિદાહ શરૂ કરવામાં આવ્યા હતા. તો સાથે જ બાલિસણા ગામે નીલકંઠ મહાદેવ નજીક અગ્નિદાહ શરૂ કરવામાં આવ્યા હતા. આ માટે બાલિસણા ગામના વતની અને જલોત્રા માધ્યમિક શાળાના પૂર્વ આચાર્ય હરજીવન પટેલના દીકરાઓ દ્વારા કાસ્ટિંગ સગડી બનાવી સ્મશાનને ભેટ આપવામાં આવી હતી. જેને બાલિસણા ગામે સિદ્ધપુર મુક્તિધામ ખાતે શનિવારના રોજ લગાડવામાં આવી હતી. જોકે, હરજીવન પટેલની તબિયત બીમારીના કારણે લથડતા 85 વર્ષની વયે તેમનું નિધન થયું હતું, ત્યારે શનિવારની સવારે સ્મશાનમાં સગડી ફીટ કરાવી હતી અને તે જ સગડી પર સૌપ્રથમ દાતા હરજીવન પટેલની જ અંતિમવિધી કરવામાં આવતા અનોખો સંયોગ રચાયો હતો.