ફુકેતથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 મંગળવારે ઉડાન દરમિયાન અચાનક ટર્બ્યુલન્સમાં સપડાઈ હતી. એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તેજ હવાના ઝટકાને કારણે વિમાનની ઊંચાઈમાં થોડા સમય માટે ફેરફાર નોંધાયો હતો. જોકે, પાયલટ અને કેબિન ક્રૂએ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી હતી અને વિમાનનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
એરલાઇને જણાવ્યું કે લેન્ડિંગ બાદ તમામ મુસાફરો અને ક્રૂના સભ્યો સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર આવ્યા હતા. ઘટનામાં કોઈ ગંભીર ઈજા થઈ હોવાની માહિતી નથી. જોકે, ટર્બ્યુલન્સના કારણે કેટલાક મુસાફરો અને ક્રૂના સભ્યોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
સાવચેતીના ભાગરૂપે ઈજાગ્રસ્ત મુસાફરો અને ક્રૂના સભ્યોને દિલ્હી એરપોર્ટ પર આવેલા મેડિકલ સેન્ટરમાં તબીબી તપાસ અને જરૂરી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. એર ઇન્ડિયાએ જણાવ્યું કે તમામ પ્રભાવિત લોકો હાલ સુરક્ષિત છે અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
એરલાઇનના જણાવ્યા અનુસાર, ટર્બ્યુલન્સ એક કુદરતી અને અણધારી હવામાન સંબંધિત ઘટના છે. તેમ છતાં, ફ્લાઇટ ક્રૂએ તમામ જરૂરી સલામતી પ્રક્રિયાઓનું પાલન કરીને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.
