અરબ સાગરમાં ઉદભવેલા તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે એક હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. બુધવારના રોજ વડાપ્રધાને અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કર્યું હતું. વડાપ્રધાને અમદાવાદ એરપોર્ટ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વાવાઝોડાથી થયેલાં નુકશાનની સમીક્ષા કરી હતી.
તાઉ-તે વાવાઝોડુ સોમવારના રોજ રાત્રિના આઠ વાગ્યાના અરસામાં દીવના દરિયાકિનારે ટકરાયું હતું. વાવાઝોડાના કારણે 170 કીમીથી વધુની ઝડપે ફુંકાયેલાં પવનોના કારણે કાચા મકાનો, વીજપોલ અને ખેતીનો પાક પત્તાના મહેલની માફક તુટી ગયાં હતાં. ખાસ કરીને ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને જુનાગઢ જિલ્લામાં ભારે નુકશાન થયું છે. ગીર તલાલા વિસ્તારમાં કેરીનો પાક નષ્ટ થઇ જતાં વાડી માલિકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
વાવાઝોડાના પગલે રાજયના અન્ય જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ અને ભારે પવન ફુંકાયો હતો જેનાથી પણ ખેતી અને કાચા મકાનોને નુકશાન થયું છે. રાજયમાં સૌથી વધારે આર્થિક નુકશાન જગતના તાતને થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અસરગ્રસ્ત વિસ્તારોનું હેલીકોપ્ટરમાંથી નિરિક્ષણ કર્યું હતું.
વાવાઝોડામાં રાજયમાં 44 કરતાં વધારે લોકોએ પોતાના જીવ ગુમાવી દીધાં છે. વાવાઝોડામાં મૃતકોને બે લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની મદદની પણ જાહેરાત કરાય છે. હવાઇ નિરિક્ષણ બાદ વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ કેન્દ્ર સરકારે ગુજરાત માટે એક હજાર કરોડ રૂપિયાના વિશેષ પેકેજની જાહેરાત કરી છે.