જેલને ઉડાવી દેવાની ધમકી બાદ પોલીસ એલર્ટ

સબજેલમાં ઘનઘોર સર્ચ ઓપરેશન

DGPને મળેલા ધમકીભર્યા ઈમેલ બાદ જેલોમાં સુરક્ષા ખડકી દેવાઈ

પોલીસ દ્વારા સબજેલોમાં ખૂણે-ખૂણાની તપાસ હાથ ધરાઈ

ડોકી જેલ, દેવગઢ બારીયા અને ઝાલોદ સબજેલમાં મેગા સઘન ચેકિંગ

ગુજરાત રાજ્યના DGPના સત્તાવાર ઈમેલ આઈડી પર રાજ્યની મધ્યસ્થ જેલોને બોમ્બથી ઉડાવી દેવાનો એક સનસનાટીભર્યો ધમકીભર્યો મેઈલ મળતા જ સમગ્ર પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.

ગુજરાત રાજ્યના DGPના સત્તાવાર ઈમેલ આઈડી પર રાજ્યની મધ્યસ્થ જેલોને બોમ્બથી ઉડાવી દેવાનો એક સનસનાટીભર્યો ધમકીભર્યો મેઈલ મળતા જ સમગ્ર પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવી હાઇ-સિક્યોરિટી સેન્ટ્રલ જેલોને નિશાન બનાવવાની ધમકી મળતા જ સમગ્ર રાજ્યમાં હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

રાજ્યવ્યાપી સુરક્ષા અને એલર્ટના ભાગરૂપે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. દાહોદની તમામ સબજેલોમાં સુરક્ષા મજબૂત કરીને સઘન ચેકિંગ હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત દાહોદની જાણીતી ડોકી જેલ, દેવગઢ બારીયા સબજેલ અને ઝાલોદ સબજેલ ખાતે એક સાથે કાફલો ઉતારીને મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ કોમ્બિંગ અને સર્ચ ઓપરેશનમાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, રૂરલ પોલીસ અને સબજેલના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમોએ જેલ પરિસર, કેદીઓની બેરેકો અને આસપાસના તમામ વિસ્તારોમાં ખૂણે-ખૂણાની બારીકાઈથી તપાસ કરી હતી.

કલાકો સુધી ચાલેલા આ સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશનના અંતે રાહતના સમાચાર સામે આવ્યા છે. દાહોદની કોઈપણ સબજેલમાંથી કોઈ પણ પ્રકારની સંદિગ્ધ કે અણબનાવ સર્જે તેવી ચિંતાજનક વસ્તુ મળી આવી નથી. જોકે, ધમકીભર્યા મેઈલને પગલે હજુ પણ તમામ જેલો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવી રહ્યો છે.