દેશની રાજધાની નવી દિલ્હીની બહાર નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે એકતાનગર ખાતે પધારેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એકતાનગર હેલિપેડ ખાતેથી આત્મીય વિદાય આપવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (National Film Awards) સમારોહનું ગત તા. 22 સપ્ટેમ્બર 2026ના રોજ ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. 72 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત સરકારી પુરસ્કાર સમારોહ દેશની રાજધાની નવી દિલ્હીની બહાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયો હતો.
જેમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વિજેતા કલાકારોને પુરસ્કારો એનાયત કર્યા હતા, ત્યારે ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે પધારેલા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ નર્મદા જિલ્લાના એકતાનગર હેલિપેડથી આત્મીય વિદાય આપી હતી.
આ પ્રસંગે ગુજરાત સરકારના પ્રોટોકોલ મંત્રી પ્રફુલ પાનશેરિયા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરી, જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ અને જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ ઉપસ્થિત રહ્યા હતા.
