અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.સવારના સમયે ધીમીધારે વરસેલા વરસાદને કારણે રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં ભેજ જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનના કારણે સમગ્ર પંથકમાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું.

છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હતો, જેના બાદ ફરી વરસાદ શરૂ થતાં સ્થાનિકોમાં પણ રાહત જોવા મળી હતી.ખાસ કરીને ખેતી પર નિર્ભર ખેડૂતો માટે આ વરસાદ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. વરસાદના કારણે ખેતરોમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેવાની સાથે પાકને પણ ફાયદો થવાની આશા ખેડૂતોમાં છે. વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.હાલ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જો વરસાદનું પ્રમાણ વધે તો ખેતી સહિત જનજીવન પર તેની અસર જોવા મળી શકે છે.