ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. જ્યાં જમીન ત્યાં જળ જેવી સ્થિતિ બની ગઇ છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગનું આજે નવું અપડેટ સામે આવ્યુ છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગ દ્વારા આજે સવારે જાહેર કરવામાં આવેલા તાજા નાઉ કાસ્ટ બુલેટિન મુજબ, આગામી ત્રણ કલાક (સવારે 7:00 થી 10:00 વાગ્યા) દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાઓ સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તીવ્ર પવન અને ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા આ ચાર વિસ્તારોમાં જનજીવનની સલામતી માટે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગના અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં અચાનક આવેલા પલટા અને સ્થાનિક સ્તરે સર્જાયેલી ભેજવાળી પરિસ્થિતિને કારણે આ ટૂંકા ગાળાની વરસાદી પ્રક્રિયા સક્રિય થઈ છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને પવનની ગતિ સામાન્ય કરતાં વધુ નોંધી શકાય છે.