અંકલેશ્વર: ઉંટીયાદરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પ્રજાલક્ષી પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સતત કાર્યશીલ છે. અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામ ખાતે ચાલતા નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટની કામગીરીના કારણે સ્થાનિક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. ખેડૂતોની આ સમસ્યાને ધ્યાને રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિલંબ વિના પ્રશંસનીય અને ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે.ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના ઝડપી અને યોગ્ય નિકાલ માટે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. મામલતદારશ્રી અંકલેશ્વર, પોલીસ ઇન્સ્પેક્ટર પાનોલી તથા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓની હાજરીમાં આ પાણીના નિકાલ કરવાની કામગીરી રીતે શરૂ કરી દેવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સાથે સંકલન સાધીને પાણીના નિકાલ માટે જરૂરી તમામ ટેકનિકલ અને વહીવટી પગલાં લેવામાં આવ્યા છે, જેથી ખેડૂતોના પાકને થતું નુકસાન અટકાવી શકાય.
