વૈશ્વિક ભૂરાજકીય તણાવ છતાં આજે ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ છે. BSEનો 30 શેરો ધરાવતો સંવેદી સૂચકાંક સેન્સેક્સ 72 અંકના વધારા સાથે 76,571 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 50 46 અંક વધીને 23,928ના સ્તરે ખુલ્યો હતો. ગઈકાલે શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 1,677 અંક તૂટીને 76,503.60 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 516.65 અંકના ઘટાડા સાથે 23,882.05 પર બંધ થયો હતો.

આજે દેશની સૌથી મોટી IT કંપની TCS નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરશે. તેના પરિણામોની અસર સમગ્ર IT સેક્ટરના શેરોમાં જોવા મળી શકે છે.

ભૂરાજકીય તણાવ છતાં આજે એશિયન બજારોમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે. પ્રારંભિક કારોબારમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 3.8 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. અગાઉના સત્રમાં ભારે ઘટાડા બાદ તેમાં સારો બાઉન્સબેક જોવા મળ્યો છે.

જાપાનનો નિક્કેઈ 225 પણ 2.3 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. ટોપિક્સ ઇન્ડેક્સમાં 0.44 ટકાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે સ્મોલ-કેપ કોસ્ડેકમાં 4.23 ટકાની તેજી જોવા મળી છે. ચીનનો શાંઘાઈ કોમ્પોઝિટ ઇન્ડેક્સ પણ 0.17 ટકાના વધારા સાથે લીલા નિશાનમાં ખુલ્યો છે.

અમેરિકન બજારમાં ચિપમેકર કંપની SK Hynixના શાનદાર લિસ્ટિંગ બાદ ટેક સેક્ટરમાં ફરી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે, જેના કારણે એશિયન બજારોને પણ ટેકો મળ્યો છે.